સ્પીડ બ્રેકરની ઊંચાઈ લગભગ 4 ઇંચથી વધુ ના હોવી જોઈએ. બે બમ્પ વચ્ચેનું અંતર આઈઆરસી મુજબ 328ફૂટથી 492 ફૂટ હોવુ જોઈએ
વાંકાનેરમાં આથી ઉલ્ટી ગંગા જોવા મળે છે, નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે
નાગરિકો માટે શિરદર્દ બનેલા સ્પીડ બ્રેકરો સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ થાય, એ બાબતે ચીફ ઓફિસર યોગ્ય કરે તેવી છે નગરજનોની લાગણી
વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવેલા સ્પીડ બ્રેકરો સરકારી નિયમ મુજબ બનાવેલા નથી. મન પડે ત્યાં અને મન પડે એવડા બનાવી દીધા છે. નિયમોના છડેચોક ઉલ્લંઘન કરીને બનાવેલા આવા સ્પીડ બ્રેકરો નાગરિકો માટે શિરદર્દ સમાન છે. ઘણી જગાએ તો નાગરિકોની અગવડતાનો વિચાર કર્યા વિના લત્તાવાસીઓએ એમની સગવડતા મુજબ ગેરકાયદેસર બનાવી નાખ્યા છે. વહીવટદારોએ આ સામે આંખમીંચામણાં કરી રહ્યા છે.
નિયમ તો એવા છે કે – ઈન્ડિયન રોડસ કોંગ્રેસ( આઈઆરસી) ૧૯૯૬ મુજબ ખરેખર સ્પીડ બ્રેકરની ઊંચાઈ 0.૧૦ મીટર (લગભગ 4 ઇંચ)થી વધુ ના હોવી જોઈએ. સ્પીડ બ્રેકરની પહોળાઈ ૫.૦૦ મીટર હોવી જરૃરી છે. બે બમ્પ વચ્ચેનું અંતર આઈઆરસી મુજબ ૧૦૦ મીટર (328ફૂટ) થી ૧૨૦ મીટર (492 ફૂટ) હોવુ જોઈએ. વાહન ચાલકને આગળ બમ્પ છે, એ ખ્યાલ આવે એના માટે રોડ પર માહિતી સુચક બોર્ડ હોવુ જરૃરી છે.
વાંકાનેરમાં ચાર ઇંચથી વધુ ઊંચા અને બે સ્પીડ બ્રેકરો વચ્ચેનું ઓછામાં ઓછું 328 ફૂટથી ઓછું અંતર હોય તેવા તપાસ કરવામાં આવે તો એંસી ટકા સ્પીડ બ્રેકરોમાં આ નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળશે. સરકારી દવાખાનાના પ્રવેશદ્વાર સામે જ બનાવેલા સ્પીડ બ્રેકરો જીવતો જાગતો પુરાવો છે. વાહન ચાલકને આગળ બમ્પ છે, એ ખ્યાલ આવે એના માટે રોડ પર માહિતી સુચક બોર્ડના દર્શન દુર્લભ છે.
સ્કૂલ, કોલેજ તથા ધાર્મિક સ્થળો જેમાં વધારે લોકો ભેગા થઈને રસ્તો ક્રોસ કરતા હોય ત્યાં બમ્પ બનાવી શકાય. વાહન ચાલકો તેમની ગતિ ઓછી કરે તેની ખાતરી કરવા માટે, બમ્પ ટોલ બુથની નજીક અને પુલો અથવા સાંકડા રસ્તાના પ્રવેશ પર બમ્પ મુકવામાં આવે છે. નાના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો માટે શહેરી વિસ્તારોમાં સ્પીડ બ્રેકર્સનો ઉપયોગ કરવાનો હોય છે. નિયમ કહે છે કે શહેરી હદ બહારના હાઈ સ્પીડ રસ્તાઓ અથવા હાઈવે પર સ્પીડ બ્રેકર્સની ભલામણ કરવામાં આવતી નથી.
નાના રસ્તાઓ મોટા રસ્તાઓમાં ભળે અને ટી-જંકશન બનતુ હોય, અને જે નાના રસ્તા પર પ્રમાણમાં ઓછા ટ્રાફીક દ્વારા વર્ગીકૃત થયેલ છે, પરંતુ ખુબ વધારે ગતિમાં વાહનો ચાલતુ હોઈ, આવા સ્થળો પર જીવલેણ અકસ્માતોનો ઉચ્ચ રેકોર્ડ હોઈ તો આ નાના રસ્તા પર સ્પીડ બ્રેકરની ભલામણ કરવામાં આવે છે. વાંકાનેરમાં આથી ઉલ્ટી ગંગા જોવા મળે છે, નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે, આરોગ્યનગરના ચોકનો જ દાખલો મોજુદ છે.
નિયમ વિરુદ્ધ બનેલા આ સ્પીડ બ્રેકરોના કારણે એમ્બ્યુલન્સ, પોલીસ વાહનો અને ફાયર ફાઈટર જેવા ઈમરજન્સી વાહનોની ગતિ ધીમી પાડે છે. બમ્પ પાસે ટ્રાફીક ભીડ અને અચાનક બ્રેક મારવાનું કારણ બને છે. ઈંધણની કાર્યક્ષમતા ઘટાડે છે અને વાહનોનું પ્રદુષણ વધે છે. વાહનોના વધારે અને ઝડપી મેન્ટેન્સનું કારણ બને છે. બમ્પની અસર દર્દીઓ, વરિષ્ઠ નાગરિકો અને સર્ગભા સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે. અચાનક બ્રેકિંગ, હોર્ન મારવાના, ટ્રાફીક ભીડને કારણે અવાજ પ્રદુષણમાં વધારો થવાનું કારણ બને છે. ગ્રાઉન્ડ કલીયરન્સ ઓછુ હોય એવા વાહનોની નીચેના ભાગને નુકશાન કરી શકે છે. કંટ્રોલ ગુમાવાથી વાહનો (ખાસ કરીને ૨ વ્હીલર્સ) અટકી જવા અને અથડામણનું કારણ બની શકે છે.
વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર નાગરિકો માટે શિરદર્દ બનેલા સ્પીડ બ્રેકરો સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ થાય, એ બાબતે યોગ્ય કરે તેવી નગરજનોની લાગણી છે. જરૂર પડે તો https://law.resource.org/pub/in/bis/irc/irc.gov.in.099.1988.pdf વેબ સાઈટ જોઈ લે; તો ઘણું માર્ગદર્શન રહેશે