ભાજપમાં પડેલું ભંગાણ
બોરસદ પાસેના ટોલબુથ પછી વાહનને પોલીસખાતાએ અટકાવી વાહનની તલાશી લીધી
જો ટાઈમની મારામારી હોત તો સભ્યો મતદાન વખતે હાજર ન રહી શક્યા હોત
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કબજો કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું, તો બીજી તરફ પોતાની સત્તા ટકાવી રાખવા માટે કોંગ્રેસે પણ લડત આપી હતી; જે લાંબી લડત બાદ આખરે માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસે બાજી મારી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઇ પરાસરા (સિંધાવદર) અને વાઈસ ચેરમેન તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરિયા (ભેરડા)નો વિજય થયો હતો.
જેમાં કુલ ૧૮ મતોમાંથી કોંગ્રેસના ચેરમેન ઉમેદવારને ૧૧ જયારે વાઈસ ચેરમેન પદના ઉમેદવારને ૧૦ મતો મળ્યા હતા. જે ચુંટણીમાં ભાજપ તરફથી ચેરમેન પદના ઉમેદવાર જલાલભાઇ અલીભાઈ શેરશીયા (ચંદ્રપુર) અને વા. ચેરમેન પદ માટે ઈસ્માઈલ ફતેમામદ કડીવાર (વાલાસણ) દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભાજપના પ્રમુખ ઉમેદવારને સાત અને ઉપપ્રમુખના ઉમેદવારને આઠ મત મળ્યા હતા, જે ભાજપમાં પડેલું ભંગાણ બતાવે છે. ભાજપના એક સભ્યે જલાલભાઈને બદલે કોંગ્રેસી પ્રમુખના ઉમેદવાર ગુલામભાઈને મત આપ્યો છે. ભાજપમાં જલાલભાઈથી ક્યા સભ્યને એલર્જી હોઈ શકે? સમજુને ઈશારો કાફી છે. સીમાડાના સભ્યશ્રીને માલુમ થાય કે યે પબ્લિક હે, સબ જાનતી હે.. આ ચાલાકી નથી, દગો છે. દગો કોઈનો સગો હોતો નથી.
લાગતું હતું કે ચૂંટણીનું પરિણામ ચિઠ્ઠીથી થશે, પણ એવું ન થયું. ભાજપની કોશિશ છતાં કોંગ્રેસના સભ્યો અકબંધ રહ્યા. યાદ અપાવ્યે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં તા. ૧૧-૦૧-૨૦૨૨ ના રોજ મતદાન કરાયું હતું અને તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મત ગણતરી કરવામાં આવી હતી, જેમાં વેપારી વિભાગમાં તમામ ચાર બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો છે. તેવી જ રીતે ખરીદ વેચાણ વિભાગમાં કોંગ્રેસ ઉમેદવાર બાદી અલીભાઈ મામદભાઈ ને ૧૮ મતો મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા તો ખેડૂત પેનલની મેટર હાઈકોર્ટમાં ગઈ હોવાથી ૩૧ મતોની ગણતરી બાકી રાખવામાં આવી હતી, જેથી પરિણામ જાહેર કરવામાં આવ્યા ના હતા અને બાદમાં હાઈકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી તો સમગ્ર મામલો પૂર્ણ થતા દોઢેક વર્ષ પછી કાલે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ઉપપ્રમુખ પદ ભેરડાના નાથાભાઈને આપવું, કોંગ્રસની મજબૂરી.
કોઈ ભાંગફોડ ન થાય તે માટે કોંગ્રેસના દસ સભ્યોને ચૂંટણી પહેલા પાંચ-છ દિવસ સુરત તરફ મોકલી અપાયા હતા. આ સભ્યોનું વાહન વાંકાનેર પરત આવતું હતું, ત્યારે બોરસદ પાસેના ટોલબુથ પછી વાહનને પોલીસખાતાએ અટકાવી વાહનની તલાશી લીધી હતી, જેમાં કોઈ ગેરકાયદેસર વસ્તુઓ મળી નહોતી. ત્યાં સુધી તો ઠીક છે, પણ બધા સભ્યોને ઉભા રાખી ફોટા પાડયા અને નામ નોંધણી કરાઈ હતી. વિશ્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળે છે કે પછી પોલીસતંત્રે “આમાં એક પંચાસિયાના ચૌધરી મોહ્યુદીન હુસેનભાઇ નથી” એવું કહ્યું. પોલીસતંત્ર પાસે ગાડી નંબર, ગાડીમાં બેસનારાના ફોટા અને નામ; અગાઉથી કઇ રીતે આવ્યા? આ ગાડી ચેક કરવાની સૂચના ઉપરથી પોલીસને મળી હતી કે કેમ? યાર્ડની ચૂંટણીમાં મતદાન ન કરી શકે એવા ઇરાદે તો આ કારસો નહોતો ઘડાયો ? આ વજનદાર સવાલના જવાબ મળતા નથી.
પોલીસતંત્રની આ કાર્યવાહીની જાણ માજી ધારાસભ્ય જાવિદ પીરઝાદાને કરવામાં આવતા તેમને બોરસદના સ્થાનિક કોંગ્રેસી નેતાને કરતા તેઓ ટોલબુથે આવી ગયા, અને રજુઆત કરતા ગાડી જવા દેવામાં આવી, તોય અઢી કલાક જેટલો સમય આ બધી લપમાં વીતી ગયો સવારે સાડા ચારે સભ્યો વાંકાનેર આવ્યા. જો ટાઈમની મારામારી હોત તો સભ્યો મતદાન વખતે હાજર ન રહી શક્યા હોત. ટોલબુથ પરની આ બધી ગડમથલની પુષ્ટિ તે ગાડીમાં સાથે રહેનાર પંચાસરના શેરસીયા હુસેન મહમદભાઈ (79845 38657) એ કરી છે. (ફોટા સૌથી નીચે છે)
જો કે કોંગ્રેસી સભ્યોના ફોટા વાંકાનેરથી મોકલનાર અને ઉપલા લેવલે પોલીસતંત્ર સુધી છેડો અડાડનાર જિલ્લાના સ્થાનિક ભાજપી બીજા નેતાના નામ લોકોની જિભ્ભે રમી રહ્યા છે.અગાઉ લખ્યા મુજબ યે પબ્લિક હે..
રાજકારણમાં મતભેદ હોઈ શકે, સામસામી ચૂંટણી પણ લડાય, પણ આવા હિનકક્ષાના કાવાદાવાથી પરહેજગારી સારી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
