રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી: જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ
ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. આરોગ્યપ્રધાન ઋશિકેશ પટેલે એમ પણ જણાવ્યું કે H3N2થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. તેમણે આ વાયરસથી થતાં લક્ષણો અને તબક્કાઓ દર્શાવી દવાઓ વિશે માહિતી આપી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે પણ જે રાજ્યમાં વધુ કેસ છે તેવા 10 રાજ્યોને એલર્ટ ઉપર મૂક્યા છે અને આ 10 રાજ્યમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાત અંગેની પરિસ્થિતિ બાબતે વિગતો આપી હતી કે ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પરિસ્થિત્ સંપૂર્ણપણે કાબુમાં છે જ્યારે વર્તમાન પરિ્થિતિમાં સિઝનલ ફલ્યુંના કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે તેમણે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં H3N2ના 3 કેસ નોંધાયા છે.

H3N2 વાયરસના કેસો આવ્યાં હોવાની સ્વીકાર : ઋષિકેશ પટેલે વધુમાં નિવેદન આપ્યું હતું કે જે રીતે H3N2 વાયરસ સામે આવ્યો છે તેને ધ્યાનમાં લઈને તાલુકા અને જિલ્લા કક્ષા તથા CHC, PHC અને આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને નવા સિઝનલ ફ્લુના દર્દીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ વાયરસ માટે ઉપયોગી એવી ઓસેલ્ટામાવીર નામની દવાનો જથ્થો પણ ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં છે અને તમામ જિલ્લા તાલુકાઓમાં આ દવાનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે. આજની તારીખમાં 2,74,000 દવાનો સ્ટોક છે. 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને 3 કેસ નોંધાયા છે અને H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી. હાલમાં રાજ્યમાં જોવા મળતા સીઝનલ ફ્લુના કેસોમાંથી મુખ્યત્વે H1N1 ટાઈપના જ કેસો જોવા મળ્યા છે.
H3N2 શું છે લક્ષણો અને સારવાર : રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યમાં જે રીતે કેસો વધી રહ્યા છે તેમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં વાયરલના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આ વાયરલ ફીવર કુલ ત્રણ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના લક્ષણો જ આ નવા વાયરસમાં છે. ત્રણ તબક્કામાં આની અસર દેખાય છે. જેમાં પ્રથમ શરદીવાળો ફીવર કે જે સાત દિવસ સુધી રહે છે અને આરામ કરવાથી મટી જાય છે.જ્યારે બીજા પ્રકારમાં ગળામાં દુખાવો થાય અને હાઈ ફીવર આવે છે અને જરૂર લાગે તો જ દવાની જરૂર પડે છે.ત્રીજા તબક્કાના કેસમાં આ વાયરસ ફેફસા સુધી પહોંચે છે જેમાં સારવારની જરૂર પડે છે. આરોગ્ય કર્મચારીઓને આ વાયરસ વિરોધી રસીઓ પણ આપવાનું શરુ કરી દેવાયું છે.

H3N2 વાઇરસ જોખમી નથી : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જે નવો H3N2 વાયરસ આવ્યો છે તે એટલો પણ જોખમી નથી. હાલમાં અમુક લોકો ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ સિવિલમાં 3500 થી 4000 જેટલા કેસો સામે આવે છે, જે અન્ય જિલ્લા અને અને અન્ય રાજ્યના દર્દીઓ પણ હોય છે. ત્યારે આ આંકડા ખોટા છે અને અમુક લોકો ખોટા આંકડા રજૂ કરીને ગુજરાતનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ઓપીડીની સંખ્યામાં મોટો વધારો નથી : ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યની મેડીકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે ઓપીડીની સંખ્યામાં કોઇપણ પ્રકારનો મોટો વધારો નોંધાયેલો નથી. રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રોગચાળાને ત્વરીત ઓળખવા અને તે અનુસાર પગલાં ભરવા માટે ઇન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ (IDSP)પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જેના અંતર્ગત કુલ 16 રોગો જે રોગચાળા માટે મુખ્યત્વે જવાબદાર છે તેનું દૈનિક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તમામ સીઝનલ ફ્લુ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portal નાં માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ : રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે અંતર્ગત બધી જ સિવિલ હોરિપટલ અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટીલેટર્સ,પીપીઇ કિટ અને માસ્કનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા જણાવાયું છે. જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જથ્થામાંથી તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો ખાતે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવા પણ આરોગ્યતંત્રને જણાવવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં ઓસેલ્ટામાવીરનો કુલ 2,74,000 જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા 11 માર્ચથી દરરોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરોને માર્ગદર્શન, H1N1ના કેસોનો કોન્ટેકટ સર્વે તથા ગાઇડલાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવી છે.
