સ્ટેશનરીમાં રપ ટકા અને પાઠયપુસ્તકોની કિમતોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો
વાંકાનેર: શિક્ષણ પર મોઘવારીના મારના લીધે સંતાનોને ભણાવવું આ વર્ષે વાલીઓ માટે ખુબજ મોઘું સાબિત થશે, કારણ કે સ્ટેશનરીની કિમતોમાં રપ ટકાનો સીધો વધારો થતા વાલીઓને માટે માત્ર નોટબુક, પુસ્તક, પેન્સિલ અને પેન પાછળ વર્ષ દરમિયાન એક બાળક માટે ૧૦૦૦ રૂપિયા સુધી વધારે ખર્ચ કરવો પડશે. સ્કૂલ ફીસ, ડ્રેસ, શુઝ અને અન્ય ખર્ચાઓને બાદ કરતા પણ આ વર્ષે સ્ટેશનરી અને ફીસ સહિતના ખર્ચાઓને લીધે સામાન્ય વર્ગના વાલીઓનું બજેટ ખોરવાઇ જવાની શક્યતા છે.

નોટબુકની કિમતમાં આ વર્ષે રપ ટકાનો વધારો થયો છે. જયારે પાઠયપુસ્તકોની કિમતોમાં સરેરાશ ૩૦ ટકાનો વધારો થયો છે. સ્ટેશનરી વિક્રેતાઓનું કહેવુ છે કે પેપરમિલો દ્વારા પેપરની કિમતોમાં ર૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે સિવાય મજૂરી. ટ્રાન્સપોર્ટશન અને અન્ય ખર્ચાઓને લીધે નોટબુકની કિમતમાં રપ ટકાનો વધારો થયો છે. ગત વર્ષ દરમિયાન નાની સાઇઝની ર૦૦ પેજની નોટબુકની કિમત ૩૦ રૂપિયા હતી તે ચાલુ વર્ષે ૩૮ રૂપિયા થઇ ગઇ છે, આ રીતે ફુલ સ્કેપની નોટબુકમાં પણ ૧૭૨ પેજની નોટબુકની કિમત આ વર્ષે પપ રૂપિયા છે, જે ગત વર્ષ દરમિયાન ૪૮ રૂપિયાની હતી. નોટબુકની સાથે પાઠ્યપુસ્તકમાં પણ ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે.

રાજય સરકાર અને ખાનગી પબ્લિકેશન બન્નેના પાઠયપુસ્તકોની કિમતોમાં વધારો થયો છે. સરેરાશ વર્ષ દરમિયાન ચોથી ક્લાસથી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ રપ નોટબુકનો ઉપયોગ કરે છે. એટલેકે જે નોટબુક ગત વર્ષે તેઓએ ૭૫૦ રૂપિયામાં ખરીદી કરી હતી તે માટે તેઓને આ વર્ષે ૯૫૦ રૂપિયા ચુકવવા પડશે. તે રીતેજ ખાનગી પબ્લિકેશનમાં સિનિયર કેજીથી લઇને નવમાં ધોરણ સુધીની પુસ્તકો માટે સરેરાશ ૨૦૦૦ રૂપિયા ચુકવવા પડેછે તેના માટે આ વર્ષે ૨૬૦૦થી ૨૮૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

પેન્સિલના બોકસની કિંમતમાં ૧૫નો વધારો
નાના બાળકો જેના થકી લખતા શીખે છે અને છેક ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પણ જેનો ઉપયોગ કરે છે તેવી પેન્સિલની કિમતોમાં પણ જબરદસ્ત વધારો થયો છે.ગત વર્ષે ૧૦ પેન્સિલના બોક્સની કિમત ૪૫ રૂપિયા હતી. તે ચાલુ વર્ષે વધીને ૬૦ રૂપિયા થઇ ગઇ છે. સ્ટેશનરી વિક્રેતાઓનું કહેવુ છે કે પેન્સિલમાં રો-મટીરિયલ તરીકે વપરાતા લાકડા અને કલર તેમજ મજૂરીના ખર્ચાઓને લીધે પેન્સિલની કિંમતોમાં વધારો થયો છે.

કવર રોલ, સ્ટીકરમાં ૧૫ ટકાનો વધારો
નોટબુકની સાથે તેના પરના કવર અને સ્ટીકરની કિમતોને પણ મોંઘવાર નડી ગઇ છે. સ્ટીકર અને કવરરોલની કિમતમાં ૧૫ ટકાનો ભાવવધારો થયો છે. સામાન્ય રીતે નોટબુક, પાઠયપુસ્તક સાથે વિદ્યાર્થીઓ મોટાભાગે આ વસ્તુઓની ખરીદી કરતા હોય છે. નોટબુકની સાથે આ વર્ષે વિદ્યાર્થીઓને આ તમામ વસ્તુઓના ભાવવધારા માટે તૈયાર રહેવુ પડશે.

પેપરની કિંમતો અને મજૂરી દરમાં વધારો થયો
સ્ટેશનરી વિક્રેતાનું કહેવું છે કે સ્ટેશનરી પેપર પર આધારિત વસ્તુ છે. ચાલુ વર્ષે કેટલાક કારણોસર પેપરની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. તે સિવાય મજુરી અને ટ્રાન્સપોર્ટેશન. અને પ્રિંિન્ટગ સહિતના ખચાઓને લીધે નોટબુક, પાઠયપુસ્તક સહિતની સ્ટેશનરીની કિંમતોમાં વધારો થયો છે.

ભણતરનો ખર્ચ વધતા વાલીઓ માટે સમસ્યા
વાલીઓ ફરિયાદ કરે છે કે સ્કૂલ ફીસથી લઇને સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની તમામ ખર્ચાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે તેની સામે આવકમાં વધારો થયો નથી. ચાલુ વર્ષે સ્ટેશનરીની કિંમતોમાં ૨૫ ટકાનો તોતિંગ વધારો થયો છે. વાલીઓ માટે આ ચિંતાની બાબત છે.
