એક લાખ રૂપિયાના ઓગણત્રીશ લાખ ઓગણપચાશ હજાર પડાવ્યાની ફરિયાદ
વાંકાનેર: તાલુકાના અરણીટીંબાના બે શખ્સો સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ થઇ છે. રૂ. ૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ તેના રૂ.૨૯,૪૯,૦૦૦/- વસુલ કર્યાનું ફરિયાદમાં લખાવેલ છે.
ફરીયાદમાં અરણીટીંબાના મેહુલભાઈ રાયસીંગભાઈ પરમાર (ઉ.વ.૨૯) વાળાએ લખાવેલ છે કે સને-૨૦૧૬ મા ખેતી કામમા પૈસાની જરૂર પડતા ગામના ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પાસેથી રૂ.૪૦,૦૦૦/- માસીક પાંચ ટકાના દરે વ્યાજે લીધેલ હતા અને દર મહીને વ્યાજના થતા રૂપીયા ૨૦૦૦/- રોકડા ફરિયાદી આપી દેતો હતો.
સને-૨૦૨૧ મા મોટરસાઇકલ ખરીદવા બીજી વખત રૂ.૬૦,૦૦૦/- વ્યાજે લીધેલ હતા બધા રૂપીયાનુ માસીક છ ટકા વ્યાજ નક્કી કરેલ હતુ. બદલામા જમીન ગીરવે મુકેલ હોવાનુ લખાણ લખી તેમની પાસે રાખી લીધેલ હતુ.
ધર્મેન્દ્રસિંહે ચારેક મહીના પછી મને કહેલ કે ‘તુ મને વ્યાજના રૂપીયા આપતો નથી અને તારા વ્યાજના રૂપીયા પણ ચડી ગયેલ હોય જો તારે જમીન વેચવી હોય તો મારી પાસે જમીન ખરીદનાર ગ્રાહક છે. જમીનનુ વેચાણ થાય ત્યારે જે રુપીયા આવે તેમાથી હુ મારા વ્યાજના રૂપીયા બાદ કરી લઇશ’ અને મીતાણા ગામના રામદેવસિંહ સાથે એક એકરના બાવીસ લાખ એમ અમારી સર્વે નં. ૨૦૨ પૈ.૧ તથા ૨૦૨ પૈ.૨ વાળી જમીન કુલ ૭૯,૦૦,૦૦૦/-મા વેચાણ કરવાનુ સાટુ કરાવેલ હતુ.
આજથી ત્રણેક મહીના પહેલા આ જમીનના વેચાણ દસ્તાવેજ ધર્મેન્દ્રસિંહે કરાવી લીધેલ અને ૭૯,૦૦,૦૦૦/- માથી અમને ૩૪,૦૦,૦૦૦/- રોકડા આપેલ હતા અને બાકીના પૈસા લીધેલ ૧,૦૦,૦૦૦/- તથા તેના વ્યાજ પેટે વાળી લીધેલ હતા. વ્યાજે લીધેલ રૂપીયાનો હીસાબ માંગવા જતા આ ધર્મન્દ્રસિંહે કહેલ કે ‘તે મારી પાસેથી ૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હતા તે તથા તેના વ્યાજમા વળી ગયેલ છે અને જમીનના ધીરાણના ૯,૭૨,૦૦૦/- મે ભરેલ છે તે મારે તારી પાસેથી લેવાના નીકળે છે, પરંતુ તે રૂપીયા જતા કરૂ છુ’. તો મે કહેલ કે ‘૧,૦૦,૦૦૦/- રૂપીયામાં તમે કેટલુ વ્યાજ ગણ્યુ? તેનો મને હીસાબ આપો’ તો આ ધર્મન્દ્રસિંહ એકદમ ગુસ્સે થઈ ગયેલ અને મને ભુંડી ગાળો આપી કહેલ કે ‘હાલે મારા દીકરાના લગ્ન છે લગ્ન પછી હું તને હિસાબ આપી દઈશ ત્યાં સુધી તે હીસાબ માંગ્યો છે તો તને જીવતો નહી રહેવા દઉ’ તેમ ધમકાવેલ જેથી ફરિયાદી એકદમ ડરી ગયેલ અને
આ બનાવની કુટુંબીઓને વાત કરતા ફરિયાદીના કાકા-મગનભાઈ મેરામભાઈ પરમાર, માતા જયાબેન, બહેન- નીતાબેન તથા મીનાબેન એમ બધા ગઈ તા.૨૯/૦૧/૨૦૨૪ ના રોજ આ ધર્મેન્દ્રસિંહની સસ્તા અનાજની દુકાને ગયેલ અને ધર્મેન્દ્રસીંહે લીધેલ ૧,૦૦,૦૦૦/- કેટલું વ્યાજ લીધુ, તેનો હીસાબ આપવાનુ કહેતા આ ધર્મેન્દ્રસિંહે કોરા કાગળમા હીસાબ લખેલ અને કહેલ કે ‘તમારી જમીન ૭૯,૦૦,૦૦૦/- માં વેચાયેલ છે અને તે પૈકી તમને ૩૪,૦૦,૦૦૦/- ચુકવી આપેલ છે તથા સને-૨૦૧૬ થી વ્યાજના તથા મુદલના રૂપીયા ગણી ૨૯,૪૯,૦૦૦/- તેમા વાળી લીધેલ તથા બાકીના રૂપીયા જમીનનુ ધીરાણ ભરવામા અને દસ્તાવેજ કરાવવામાં ખર્ચ થયેલ છે’ તેમ જણાવી ‘હવે તમારો એક રૂપીયો પણ વધતો નથી’ તેમ કહેલ જેથી ફરિયાદીના કાકા મગનભાઈએ કહેલ કે ‘તમે થોડુક આના સામુ જોવો, આના ઘર માથે નળીયા પણ નથી અને જો તમે ૧,૦૦,૦૦૦/- ના ૨૯,૪૯,૦૦૦/- વ્યાજમા ગણી લ્યો તો આ મરી રહેશે’ તેમ વાત કરતા
આ ધર્મેન્દ્રસિંહએ કહેલ કે ‘આ તમારો હીસાબ છે હવે તમારા કોઈ રૂપીયા નીકળતા નથી હવે તમે જાવ’ તેમ કહેતા અમે ઘરે આવતા રહેલ અને ત્યારબાદ આ બનાવની થોડા દિવસો બાદ કુટુમ્બીઓને જાણ કરતા ગઈ તા.૧૪/૦૨/૨૪ ના રાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામા કુટુંબી કાકા મગનભાઈ પાંચ બાવળ નામની વાડીએ ડીયા ચડાવવા ગયેલ ત્યારે પાછળથી જયદીપ ગયેલ અને મારા કાકાને કહેલ કે, ‘શુ અમારા વિરૂધ્ધ અફવા ફેલાવો છો અમારા વ્યાજના ગ્રાહક તૂટે છે. મારા પપ્પાનુ નામ ખરાબ કરો છો, વાત કરવી હોય તો મારી સાથે કરવી, સબંધ રાખવા છે કે બગાડવા છે, હવે પછી આવી ખોટી અફવા ફેલાવતા નહીં’, તેમ કહી
અરણીટીંબાના જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહે ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહેલ. આમ ધમેન્દ્રસિંહએ ફરિયાદી પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/- ના વ્યાજનો હીસાબ કરાવી રૂ.૨૯,૪૯,૦૦૦/- વ્યાજ ગણી પઠાણી વસુલાત કરી કાપી લીધેલ હોય ધોરણસર થવા ફરીયાદ છે.
પોલીસ ખાતાએ ઈ.પી.કો. કલમ- ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતને અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.