નકલી બિયારણથી થતી નુકશાની ભરપાઈ થઇ શકતી નથી
ખેડૂતની સજાગતાના અભાવે આખી સીઝન તે હારી જાય છે
નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ.
ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે. કૃષિ વિભાગ કેટલાક અનધિકૃત બિયારણનો વ્યાપાર કરતા વેપારીને ત્યાં છાપા મારે છે, પણ સવાલો ઊઠે છે કે સરકાર આ પ્રકારે કાર્યવાહી કરતી હોવા છતાં પણ આ પ્રકારે નકલી બિયારણનો કારોબાર અટકતો કેમ નથી?
ખેડૂત આગેવાનોનું પણ કહેવું છે કે ભલે સરકાર ગમે તેટલો દાવો કરે પણ ગુજરાતમાં બીટી કપાસના બીજનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ થતું રહે છે અને તેને કારણે ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો નબળા અથવા તો નકલી બીટી કપાસ બીજથી આર્થિક નુકસાનીનો ભોગ બનતા રહે છે. ખેડૂતો કહે છે કે ઘણીવાર તેઓ છેતરપિંડીનો ભોગ બને છે. સસ્તા ભાવે અથવા તો સારા મબલખ પાકની લાલચ આપીને તેઓ આ પ્રકારના અનધિકૃત બિયારણો લઈ આવે છે અને છેવટે તેમને નુકસાન વેઠવાનો વારો આવે છે. આવા નુકશાનીના ઘણા દાખલા ગુજરાતમાં મળી રહેશે.
જયારે પાક નિષ્ફળ જાય ત્યારે તેના વળતર માટે પૂરાવાની જરૂર પડે છે. ખેડૂતે સાબિત કરવું પડે કે નકલી બિયારણને કારણે આપણો પાક નિષ્ફળ ગયો છે. તે માટેની પ્રક્રિયા બહું પેચીદી છે, જે સામાન્ય ખેડૂતની પહોંચ બહાર છે. આધાર પુરાવા વગર સરકારી અધિકારીઓ માનવા તૈયાર નથી હોતા અને તેને કારણે તેમને સહાય મળતી નથી. ખેડૂત આગેવાનો પણ કહે છે કે આ પ્રકારના અનધિકૃત બિયારણો વેચતા વ્યાપારીઓ અને ઉત્પાદકોની સાંઠગાંઠ ઉપર સુધી હોય છે જેને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
જોકે સરકારી તંત્ર કહે છે કે તેઓ સમયે-સમયે કાર્યવાહી કરે જ છે. ગુજરાતના કૃષિ વિભાગના નાયબ ખેતી નિયામક એસ. એન. દઢાણિયા કહે છે, “કૃષિ વિભાગની સ્ક્વૉડ આ પ્રકારની ફરિયાદો મળતા જ કાર્યવાહી કરે છે. જેને વેચવાની મંજૂરી નથી હોતી, તેવા ઘણાં બિયારણ ઉત્પાદકો અને વેચાણકર્તાઓ વેંચતા હોય છે. જોકે બધાં બિયારણ નકલી નથી હોતા, તે પૈકીના ઘણાખરા તો મંજૂરી વિના અનધિકૃત રીતે વેચાતાં હોય છે.
ઉકેલ માત્ર એટલો જ છે કે ખેડૂતો સજાગ થાય. નકલી બિયારણથી આર્થિક રીતે એટલું નુકશાન થાય છે, જેની ભરપાઈ થઇ શકતી નથી. આખી સીઝન ખેડૂત હારી જાય છે. કહેવાતા આગેવાનો આ દિશામાં કોઈ પ્રયત્નો કરતા નથી. નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ.