બાજુના પલાંસ ગામના આરોપીઓ
‘અમોને પુછ્યા વગર તમારે કોઈ કામ કરવાનુ નથી’ કહી હુમલો કર્યો
વાંકાનેર: તાલુકાના લુણસર ગામની પોતાની ખરીદેલ જમીને આવી લેવલીંગ કરાવતા ફરિયાદી ખેડૂતને ચાર જણાએ લાકડાના ધોકા વડે બન્ને પગમાં તથા સાથળના ભાગે માર માર્યાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ હાલ-મોરબી રહેતા મુળ રહે. લુણસર તા.વાંકાનેરના રમેશચંદ્ર શંકરલાલ વસીયાણી (ઉ.વ.-૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે લુણસર ગામ અમારૂ મુળ ગામ હોય અને ત્યા અમારા બાપદાદાની ખેતીની જમીન આવેલી છે તથા લુણસર ગામની ધોળાકુવા નામે ઓળખાતી સીમમાં મે હાલે પાંચ વિદ્યા જમીન પરેશભાઇ લખમણભાઇ ઉલવા તથા દેવાભાઇ લખુભાઇ ગોસીયા રહે. બન્ન પોરબંદર વાળા પાસેથી સાટાખતથી ખરીદ કરેલ હોય અને હાલે તે જમીનમાં વશરામભાઇ કુકાભાઇ લાંબરીયા રહે. પલાંસ વાળાનુ જે.સી.બી. તથા મારા મોટાભાઈ નિતેશભાઈ શંકરભાઈ વસીયાણીનુ ટ્રેક્ટરથી સદરહુ લેવલીંગ તથા બંધપાળાનુ કામ ચાલુ હોય જેથી

તા.૧૨/૦૬/૨૦૨૫ ના સવારના હું વાડીએ હાજર હતો ત્યારે સાંજના અમારી બાજુના પલાંસ ગામના (૧) હિરાભાઇ સંગ્રામભાઈ ગમારા (૨ મેરાભાઈ સામંતભાઈ ગમારા (૩) નાનુભાઇ ધારાભાઈ ગમારા તથા (૪) એક અજાણ્યો ઇશમ બધા આવી અમોને કહેવા લાગેલ કે ‘અહીં શું કામ ખોદકામ કરો છો?’ જેથી અમોએ તેને કહેલ કે ‘આ જમીન અમોએ લિધેલ છે અને અમારે તેનુ લેવલીંગ તથા બંધપાળાનુ કામ કરવુ છે જે અંગે અમોએ પંચાયતમાંથી મંજૂરી પણ મેળવેલ છે’ જેથી આ સામાવાળાએ કહેલ કે ‘અહીં અમોને પુછ્યા વગર તમારે કોઈ કામ કરવાનુ નથી’ જેથી અમોએ તેને ‘આ જમીન અમારી છે’ તેમ જણાવતા તેઓ ગાળો બોલવા લાગેલ, ગાળો બોલવાની ના પાડતા આ લોકો એકદમ ઉશ્કેરાઈ જઈ આ હિરાભાઈ સંગ્રામભાઇ ગમારાએ અમારા હાથ પકડી રાખેલ તથા મેરાભાઈ સામંતભાઈ ગમારા, નાનુભાઈ ધારાભાઇ ગમારા તથા 

તેઓની સાથેના અજાણ્યા માણસે પોતાની પાસે રહેલ લાકડાના ધોકાઓ વડે અમોને બન્ને પગમાં તથા સાથળના ભાગે માર મારેલ બાદ જતા જતા કહેતા ગયેલ કે ‘હવે પછી જો અમને પુછ્યા વગર અહી જમીનમાં લેવલીંગનુ કામ કરીશ તો તને જાનથી મારી નાખીશુ’ ધમકી આપી આ ચારેય ઇશમો જતા રહેલ. બાદ મેં મારા મોટાભાઈ નિતેશભાઈને ફોન કરી બનાવની જાણ કરેલ જેથી ફોરવ્હીલ કારમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લાવેલ જ્યાં સારવાર આપી રજા આપી દિધેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
