વ્યાજે આપેલ રૂપિયા બાબતે માથાકૂટ
રાજકોટ: વાંકાનેરમાં વ્યાજખોર પિતા અને તેમના પુત્રોએ આતંક મચાવ્યો હતો. ભર બજારે દુકાનમાં તોડફોડ કરી હતી અને વેપારી યુવાનને માર મારી લૂંટ કરી હોવાનો આક્ષેપ લાગતા વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે. મેઈન બજારમાં ચાવડી ચોક પાસે રાજેશ કોલ્ડડ્રિંક્સ નામે વેપાર કરતા જયદીપભાઈ જયસ્વાલને ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓએ રૂ.1.50 લાખના રૂ.3.25 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી કરી ત્રાસ અપાતો હતો.
આ અંગે મળેલ માહિતી મુજબ જયદીપભાઈ જીતેન્દ્રભાઈ જયસ્વાલ (ઉંમર વર્ષ 25) રહે. વાંકાનેર નાઈન એવન સોસાયટી ગઈ રાત્રે 12 વાગ્યા આસપાસ પોતે વાંકાનેર મેઈન બજાર, ચાવડી ચોકમાં પોતાની રાજેશ કોલ્ડડ્રિંક્સ નામની દુકાને હતા ત્યારે જયેશ ઓઝા તેમજ તેના બંને પુત્રો આકાશ ઓઝા અને ઋષભ ઓઝાએ ઝઘડો કરી કાચની બોટલ વડે માર માર્યો હતો.
તેમજ ઢીંકા પાટુ મારતા ઈજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયદીપભાઈએ આરોપ લગાવતા જણાવ્યું કે, પોતે રાજેશ કોલ્ડડ્રિંક્સ નામે ઠંડા પીણાં અને પાન ફાકીની દુકાન ચલાવે છે. ત્રણેક વર્ષ પહેલા તેઓએ ફટાકડાનો ધંધો કરવો હોય, વાંકાનેરમાં વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા જયેશ ઓઝા પાસેથી 1.50 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા રોજ 300 રૂપિયા એમ મહિને 9000 આપતાં. ત્રણ વર્ષથી વધુ સમયથી વ્યાજ ભર્યું એમ 3.25 લાખથી વધુ ચૂકવી દીધા હતા. જે દિવસે પૈસા દેવાનું ચૂકાઈ જાય તો અવાર નવાર દરરોજ 8-10 માવા ફાકી મફત લઈ જતા. તેને પેનલ્ટી રૂપે ગણાવતા. આટલા રૂપિયા ચૂકવી દીધા પછી પણ ઉઘરાણી ચાલુ રાખતા જયદીપભાઈએ વકીલ પાસે જઈ સલાહ લઈ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું.
જેની જાણ જયેશને થઈ જતા ગઈકાલે રાત્રે તે તેના બંને પુત્રો સાથે આવ્યો હતો. પહેલા આવતા વેંત જે ડાયરીમાં ત્રણ વર્ષનો વ્યાજના રૂપિયાનો હિસાબ લખ્યો હતો તે ડાયરી ઝુટવી ફાડી નાખી હતી. અને દુકાનમાં તોડફોડ કરી, આક્ષેપ મુજબ ગલ્લામાં પડેલ રૂ. 50 હજારની લૂંટ ચલાવી ઢોર માર માર્યો હતો. ઉપરાંત જયદીપભાઈના ચેક જયેશ પાસે પડેલ હોય, વ્યાજ નહીં આપે તો ચેકમાં 10 લાખની રકમ ભરી ચેક રિટર્ન કરાવશે તેવી ધમકી મારી હતી. આ અંગે પોલીસને જાણ થતા વાંકાનેર સિટી પોલીસે નિવેદન લેવા પ્રયાસો હાથ ધાર્યા હતા…
