વાંકાનેરના રાતી દેવડી ગામે બે દિવસ પૂર્વે બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના સમાધાન માટે બોલાવી પિતા પુત્ર ઉપર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા વાલજીભાઈ કરશનભાઈ વિકાણી (ઉ.વ.65) અને તેના પુત્ર તુલશી વાલજીભાઈ વિકાણી (ઉ.વ.25) સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતા. ત્યારે પરબત અને રસિક સહિતના ચાર શખ્સોએ ઝઘડો કરી
પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં બે દિવસ પહેલા છોકરા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેના સમાધાન મુદ્દે હુમલાખોર શખ્સોએ પિતા પુત્રને બોલાવ્યા હતા અને જ્યાં સમાધાન કરવાના બદલે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.