વાંકાનેર : સમગ્ર વાંકાનેર તાલુકામાં ચકચાર જગાવનાર બનાવમાં દીઘલિયા ગામે માતા – પિતા અને બહેને સાથે મળી સગીર વયની
દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્યા કરી નાખવાના બનાવમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યા બાદ આરોપી પિતાની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની પુત્રી રીંકલ મહેશભાઇ ઉ.16નું
તા.26ના રોજ મૃત્યુ થયા બાદ રિંકલના ગળા ઉપર ઇજાના નિશાન દેખાતા ગામના સરપંચ અને અન્ય આગેવાનોને જાણ કરી મૃતક રિંકલનો મૃતદેહ વાંકાનેર ખસેડી પોલીસને જાણ કરતા પોલીસે રિંકલના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખસેડ્યો હતો.
ઘટના બાદ રિંકલના પિતા ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત આપતા રિંકલના કૌટુંબિક સગા એવા દિનેશભાઇ ગૌરીદાસભાઈ ગોંડલિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રિંકલના પિતા મહેશભાઈ રવિરામભાઇ ગોંડલીયા, માતા સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને બહેન હિરલ વિરુદ્ધ હત્યા કરવા મામલે ગુન્હો નોંધાવ્યો હતો.
હત્યાના આ ચોંકાવનારા બનાવમાં માતા-પિતા અને બહેને રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાનો ડૂમો દઈ ત્રણેય જણે સાથે મળી મોતને ઘાટ
ઉતારી દેવા પ્રકરણમાં વાંકાનેર તાલુકા પોલીસે હાલ મૃતક રિંકલના પિતા દીઘલિયાના મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.