સણોસરા ગામનો બનાવ
માનસિક તકલીફે વાડીએથી નીકળી જતાં હોઇ કાબુમાં રાખવા જતા ઘટી ઘટના
રાજકોટઃ તાલુકાના સણોસરા ગામે આવેલી જયંતિભાઇ ઠુમ્મરની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના વતની સુમાભાઇ સકરીયાભાઇ મેડા (ઉ.વ.૫૦) ધોકાની રાતે દસેક વાગ્યે વાડીમાંથી ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળતાં ૧૦૮ બોલાવાઇ હતી. જેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.


આ બનાવમાં કુવાડવા રોડ પોલીસની તપાસમાં એવી વિગતો સામે આવી છે કે સુમાભાઈ મેડા માનસિક તકલીફ ધરાવતાં હોઇ અને વારંવાર ઘરેથી-વાડીએથી નીકળી જતાં હોઇ તેમજ ઝઘડા કરતાં હોઇ તેને કાબુમાં રાખવા તેની જ દિકરી કાજલબેને લાકડીથી માર મારી દોરડાથી બાંધી દીધા હતાં.



જેમાં સગીર બાળકે પણ મદદ કરી હતી. દોરડાથી બાંધી દેવાથી તેમનું મૃત્યુ નિપજી શકે તેવું જાણવા છતાં સુમાભાઇને કાબુમાં લેવા લાકડીથી માર મારી ઇજા કરી દવાખાને ન લઇ જઇ દોરડાથી બાંધી રાખતાં સુમાભાઇનું મોત થયું હતું. આ બનાવમાં કુવાડવા રોડ પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઈ એ. એ. બ્લોચે મૃતક સુમાભાઇના ભત્રીજા દાહોદના ખંગેલા ગામના વતની બકુલભાઈ નારૂભાઈ મેડાની ફરિયાદ પરથી મૃતકના પુત્રી કાજલબેન અને સગીર સામે બીએનએસની કલમ ૧૦૫, ૫૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે…

