બે યુવક ઈજાગ્રસ્ત: રાજકોટ દવાખાનામાં
હાથમાં પહેરવાના કડાથી માર માર્યાનો આક્ષેપ
વાંકાનેર: તાલુકાના હસનપર ગામની સીમ આવેલ ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા મારામારી થઇ હતી, જેમાં બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ છે.

આ અંગે મળેલ માહિતી મુજબ, વાંકાનેરમાં શક્તિ કોલોની પાસે હસનપરામાં રહેતા અમરા ટીડાભાઇ સરૈયા (ઉંમર 36) એ એક ખેડૂતની વાડી વાવવા માટે રાખી હતી. ત્યાં તે ખેત મજૂરી કરે છે. જ્યારે ત્યાં જ રહેતો ગોવિંદ ધનજીભાઈ વાજેલીયા (ઉંમર 21) બકરા ચરાવવાનો પશુપાલન કરે છે.
ગઈકાલે ગોવિંદ બકરા લઈ અમરાની વાડીમાં ઘુસી ગયો હતો. અમરાએ હવે બકરા વાડીમાં ન આવવા જોઈએ તેવી ચેતવણી આપી હતી. તેમ છતાં બીજીવાર બકરા વાડીમાં ઘુસી ગયા હતા. જેથી અમરાએ ગોવિંદને આ અંગે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી અને અમરાએ હાથમાં પહેરવાના કડાથી ગોવિંદને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો…

અમરાએ વાડી માલિક અને અન્ય શખ્સોને બોલાવ્યા હતા. જેમાં માથાકૂટ વધતા મારાંમારી થઈ ગઈ હતી. અમરા અને તેની સાથેના લોકોએ પાઇપ ધોકાથી ગોવિંદને માર માર્યો હતો. જ્યારે ગોવિંદે પથ્થરના ઘા કરતા અમરાંને ઈજા થઈ હતી. પોલીસે બંને ઈજાગ્રસ્તના નિવેદન લેવા કાર્યવાહી શરૂ કરી હતી.