નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચી ગયા?
જેમની સહીથી આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે, એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં આવશે ખરા? કે પછી દળી દળીને ઢાંકણીમાં??
વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી, જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩.૧૫ લાખની સરકારી નાણાની ઉચાપતની ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તેના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતુ, જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે. બે દિવસથી ડીપીઇઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ધક્કા ખાતા હતા. જો કે, હાલમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઇ આંબરીયા દ્વારા વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે ૫૩,૧૫,૪૫૧ ની ઉચાપતની અરવિંદભાઇ પરમાર (રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી), અબ્દુલભાઇ શેરસીયા (રહે, વાંકિયા વાંકાનેર) અને હિમાંશુભાઈ પટેલ (રહે, ભાટીયા સોસાયાટી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમા પગાર બિલ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિધાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, સિલેક્સન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બિલ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જોકે માત્ર ત્રણ જ શિક્ષકો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, તે વાત ગળે ઉતરે તેવી નથી.
ચર્ચાતી લોકવાણી મુજબ આ ભ્રષ્ટાચાર અન્ય એસ.એસ.એ. બી.આર.સી.વગેરે અન્ય વિભાગો મળી ત્રાણું લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે. જેની વર્ષ-2020 માં પણ તપાસ થયેલ, એ વખતે પણ એક શિક્ષકને બદલીની હળવી સજા કરીને તપાસનું મીંડું વાળું દીધું હતું. બસ એવી જ રીતે ચાલુ વર્ષે ઓડિટ પેરાના આધારે છેલ્લા ચાર માસથી તપાસ ચાલતી હતી. એ મુજબ દળી દળીને ઢાંકણીમાં એમ માત્ર ત્રણ વ્યક્તિઓ અબ્દુલ શેરસિયા તત્કાલિન બી.આર.સી. અને હાલના સી.આર.સી.કો.ઓ. અરવિંદ પરમાર શિક્ષક અને હિમાંશુ પટેલ શિક્ષક આ ત્રણ વ્યક્તિઓ ઉપર ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ છે, પણ જેમની સહીથી જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે, એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં આવેલ ન હોય, નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચી ગયા, અધિકારી પદાધિકારીઓ દ્વારા બચાવીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ રાખ્યું છે, એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.