અડધી રાત્રે બનેલી ઘટના
આગ લગાડનાર સી.સી.ટી.વી કેમેરામાં કેદ
વાડીએ રાખેલું મગફળીનું ડુર તથા જારની કડબોનો ઢગલો બળી ગયો
વાંકાનેર: તાલુકાના ભોજપરા (મોટા)માં વાડીમાં કરેલ મગફળીના ડુર (પાલો) તથા જારની કડબના ઢગલામાં આગ લગાડતા ખેડૂતને ૭૦ હજારનું નુકશાન થયું છે, આગ લગાડનારની ઓળખ મળી ગઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા (મોટા)માં કરીયાણાની દુકાન ધરાવતા એઝાજએહમદ ઇસ્માઇલભાઈ માથકીયા (ઉ.વ.૩૪) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૨/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં ગામના કરણભાઇ હીરાભાઈ અમારા ઝાપા પાસે આવી જાણ કરેલ કે 

અમારી વાડીમાં કરેલ મગફળીના ડુર (પાલો) તથા જારની કડબના ઢગલામાં આગ લાગેલ છે. આથી હુ તથા મારા પરીવારના હાજર સભ્યો બધા અમારી પાધરની વાડીએ ગયેલ અને જોયું તો આગ લાગેલ હતી અને ત્યાં ગામ લોકો પણ પહોંચી ગયેલ હતા અને અમે ભેગા મળી પાણીથી આગ ઓલવતા ઓલવતા ધણી વાર લાગતા આ આગના કારણે અમારા મગફળીના ડુર (પાલો) નો તથા જારની કડબોનો ઢગલો બળી ગયેલ હતો બાદ 

અમોએ અમારી વાડીએ સી.સી.ટી.વી કેમેરા લગાડેલ હોય તેમાં આગ કેવી રીતે લાગી તે ચેક કરતા તેમાં અમારા ગામનો રામદેવ ઉર્ફે મેહુલભાઇ લાભભાઇ સારલા મુળ રહે. ચોટીલા વાળો કેમેરામાં વાડીએ આંટા મારતો એકલો જોવામાં આવેલ હતો અને બાદ અમોને જાણવા મળેલ કે આ આગ તેને જ લગાડી હોય અને તે ત્યાંથી ભાગી ગયેલ હતો આગના કારણે અમોને અંદાજે રૂપીયા ૬૫૦૦૦/- થી ૭૦,૦૦૦/-જેટલું નુકશાન થયેલ હોય અને આ બનાવ બાબતે આજરોજ હું તથા અયુબભાઇ અબ્દુલભાઈ માથકીયા તથા મહમદભાઇ ઇબ્રાહીમભાઇ માથકીયા અમો ફરીયાદ લખાવવા માટે આવેલ છીએ તો આ રામદેવ ઉર્ફે મેહુલભાઇ લાભભાઇ સારલા સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

