ઘાયલ થયેલા ચાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં
રાજકોટ: વાંકાનેરના રાજાવડલા ગામે હોન્ડા અડી જવા મામલે મારામારી થતાં એક યુવાન, તેના પિતા અને કાકાને ઇજા થઇ હતી. સામા પક્ષે પણ બે ભાઇઓ ઘવાયા હતાં. ડખ્ખામાં ધોકા-પાઇપનો ઉપયોગ થયો હતો. તો એક જણાએ બોલેરોથી બાઇકને ટક્કર પણ મારી હતી. ઘાયલ થયેલા ચારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં…
જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે રહેતો રોહિત રાજેશભાઈ છત્રોલીયા (ઉ.વ.ર૦) નો યુવક, તેના પિતા રાજેશભાઈ માનસિંગ છત્રોલીયા (ઉ.વ.૪૫), કાકા રમેશભાઈ માનસિંગ છત્રોલીયા (ઉ.વ.૩૪) સાંજે પોતાના ગામનાં ઝાપા પાસે હતાં ત્યારે શ્યામ વિનોદભાઈ દેત્રોજા, નવઘણ બેચરભાઈ દેત્રોજા, અવિનાશ બેચરભાઈ દેત્રોજા સહિતનાએ ધોકાથી તૂટી પડતાં ત્રણેયને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા…
સામા પક્ષે નવઘણ બેચરભાઈ દેત્રોજા (ઉ.વ.૨૭) અને અવિનાશ બેચરભાઈ દેત્રોજા (ઉ.વ.૩૫) નામના બે ભાઇઓ પણ પોતાના પર ગામના ઝાપા પાસે રાજેશ, રમેશ સહીત અજાણ્યાએ પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે રાજકોટ દાખલ થયા હતાં.
ઘાયલ થયેલા પૈકીના રોહિત છત્રોલીયાના કહેવા મુજબ ગઈકાલે ઝાંપા પાસે મેલડી માતાજીના મંદિર પાસે પ્રસંગ હોવાથી ટ્રાફિક હોઇ મારુ બાઇક શ્યામ દેત્રોજા પાસેથી કાઢતાં તેણે કોણી મારી કેમ બાઇક અડાડી દીધું? કહી ઝઘડો કર્યો હતો. જેથી મેં મારા પિતાને ફોન કરતા પિતા અને કાકા બંને આવ્યા હતાં અને ઝઘડો નહિ કરવા સમજાવતાં તેને પણ શ્યામ અને અવિનાશે માર માર્યો હતો. મારા પિતાને વધુ ઇજા થતા બાઈકમાં બેસાડી દવાખાને લઇ જતો હતો ત્યારે આ લોકોએ પાછળથી બોલેરોની ઠોકર બાઇકને મારતા અમે પડી ગયા હતા જેમાં મને પણ ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી…