મોરબીના બે યુવાનો પર લજાઈ પાસે છરીથી હુમલો થયો હતો
બંને યુવક પ્રાથમિક સારવાર લઇ સિવિલ હોસ્પિટલમાંથી પણ નાસી ગયા
મોરબીમાં રહેતા બે યુવાનો ટંકારાના લજાઈ ગામે હતા, ત્યારે એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જે હુમલાથી બચવા ભાગેલા બંને યુવકની કાર વાંકાનેરના રાતીદેવરી ગામ પાસે પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.



આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલા વિસીપરા વિસ્તારમાં રહેતા ભાવેશ જાદવ (ઉ.વ.30) અને અલ્ફાજ સલીમભાઈ ડોડીયા (ઉ.વ.28) નામના બંને યુવકો સાંજના છએક વાગ્યાના અરસામાં ટંકારાના લજાઈ ગામ પાસે હતા, ત્યારે શાહરુખ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જ્યાંથી બંને યુવાનો પોતાની કાર લઈને જઇ રહ્યા હતા, ત્યારે વાંકાનેરના રાતીદેવરી ગામ પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મારામારી અંગે ટંકારા પોલીસને અને અકસ્માત અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ ટંકારા અને વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસ ઇજાગ્રસ્ત બને યુવકના નિવેદન નોંધે તે પૂર્વે જ બંને યુવક પ્રાથમિક સારવાર લઇ સિવિલ હોસ્પિટલમાંથી નાસી ગયા હતા.
આ ઘટના અંગે પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.