માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતા તર્કવિતર્ક સર્જાયા
કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક ગઈ કાલે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે; તો આરોગ્ય, સિંચાઈ સહિતની મહત્વની સમિતિની રચના કરી હોદેદારોની વરણી કરવાની બાકી રહેતા ભાજપમાં જુથવાદની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. બહુમતી હોવા છતાં આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ સમિતિની રચના કેમ ના થઇ ? આંતરિક વિખવાદ કે અન્ય કારણ છે?
જીલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ આજે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી પરંતુ આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ, મહિલા બાળ વિકાસ અને બાંધકામ સહિતની સમિતિની રચના કરવામાં આવી નથી ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે કે અન્ય કારણથી સમિતિની રચના થઇ નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તો જીલ્લા પંચાયત પ્રમુખે પક્ષના આદેશ મુજબ સમિતિની રચના કરીને જવાબદારી સોપવામાં આવશે તેવો જવાબ આપ્યો હતો
જિલ્લા પંચાયતની અગાઉની બોડીના અલગ અલગ ત્રણ સમિતિના ચેરમેનને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતીના પ્રમુખ તરીકે સ્થાન મળતા તેમજ અગાઉ જે પ્રમુખ, ઉપપ્રમુખ એમ પાંચ સદસ્યો નવો હોદો સ્વીકારે તેવી શક્યતા નહિવત હોવાથી બાકીના 9 સદસ્યો જ બાકી રહ્યા છે અને તેમાથી મોટાભાગના અલગ અલગ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જેથી ફરી એકવાર સદસ્યો રીપિટ થવાની સંભાવના છે. જો કે અગાઉ જે વિભાગના ચેરમેન હતા તે વિભાગ બદલાય તેવી સંભાવના છે.
ગત અઢી વર્ષની ટર્મમાં આરોગ્ય સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના મુખ્ય હોદા હોવાથી ત્રણેય સમિતિના નવા સદસ્યોને તક મળશે. જો કે એવી વાત પણ સામે આવી હતી કે કેટલાંક મહત્વના વિભાગના ચેરમેન થવા માટે થોડી ઘણી સદસ્યો વચ્ચે પણ ખેંચતાણ પણ જોવા મળી હોવાની ચર્ચા પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે સમિતિમાં કોને ક્યું પદ મળશે તે પણ એક સવાલ છે. જાણવા મળ્યા મુજબ કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ડીડીઓ ડી ડી જાડેજાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની ખાસ બેઠક મળી હતી, જેમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા સહિતના એજન્ડાઓ મંજુર કરવામાં આવ્યા હતા તો જુદી જુદી સમિતિની રચના કરવનો એજન્ડા પણ ખાસ બેઠકમાં લેવામાં આવ્યો હતો, પરંતુ દરેક સમિતિની રચના કરવામાં આવી નથી. ગઈ કાલની બેઠકમાં કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ સોનગ્રા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કમલાબેન ચાવડાને જવાબદારી સોપવામાં આવી હતી તો પ્રમુખસ્થાનેથી ચંદ્રયાન ૩ ના સફળ ઉતરાણ અને નારી શક્તિ વંદના બીલ બદલ સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ કરવામાં આવ્યો હતો.