સુનિયોજિત વિકાસ માટે સરકારનું મહત્વનું પગલું
એક વર્ષમાં સરકારને ડેવલોપમેન્ટ પ્લાન મોકલાશે
વાંકાનેર વિસ્તારના સુનિયોજિત વિકાસ માટે મોરબી – વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની રચના કરી છે જે અન્વયે વાંકાનેર વિસ્તારમાં આવતા ગામો માટે ટાઉનપ્લાનિંગ અને ડેવલોપમેન્ટ કામગીરી માટે આગામી 10 થી 20 વર્ષનું આગોતરું આયોજન કરી શકાશે. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે આ અંગેનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ઓથોરિટીને આગામી એક વર્ષમાં વિકાસ પ્લાન રજૂ કરવા આદેશ કરાયો છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તા. 23 જૂનના રોજ નોટિફિકેશન બહાર પાડી મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. સાથે જ સત્તામંડળના માળખુ જાહેર કરી જિલ્લા કલેક્ટરને મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન બનાવવામાં આવ્યા છે. જેથી હવે સમાવિષ્ટ ગામોમાં બાંધકામ મંજુરીથી લઈ અન્ય વિકાસના તમામ કામો માટે મવુડા દ્વારા ટાઉન પ્લાનિંગ અને ડેવલોપમેન્ટના કાર્યો કરવામાં આવશે.
ઓથોરિટી એક વર્ષમાં ડેવલોપમેન્ટ પ્લાન બનાવશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મોરબી-વાંકાનેરના સંતુલિત અને સુનિયોજિત વિકાસ માટે મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે ત્યારે સત્તામંડળને આગામી એક વર્ષની અંદર મોરબી-વાંકાનેર વિસ્તાર માટે વિકાસ યોજના તૈયાર કરવાની રહેશે જેમાં રહેણાંક, વાણિજ્ય વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય સુવિધા સહિતની બાબતોનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગ સમયાંતરે મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી પાસેથી કામગીરીની સમીક્ષા પણ કરશે.
ઓથોરિટીની રચનાથી અનેક ફાયદા
મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનાને પગલે મોરબી જિલ્લાના બન્ને શહેરી વિસ્તારમાં હાલમાં થઈ રહેલા આડેધડ બાંધકામો અટકવાની સાથે નાગરિકોને સુનિયોજિત ડેવલોપમેન્ટની ભેટ મળશે. જેમાં પહોળા રસ્તા, પીવાના પાણીની સુવિધા, ઘન કચરાનો નિકાલ, ટ્રાફીકનો જટિલ પ્રશ્નનો ઉકેલ, બાગ બગીચા, શાળા, અગ્નિશમનની પૂરતી વ્યવસ્થા સહિતના અનેક લાભો થશે. હાલમાં ઓથોરિટીની રચના બાદ આગામી એક વર્ષમાં શહેરી વિકાસ સત્તામંડળ મોરબી-વાંકાનેરના ભવિષ્યના વિકાસની રૂપરેખા તૈયાર કરશે.
અગાઉ મવડાની રચના બાદ થયું હતું બાળમરણ
મોરબી – વાંકાનેર શહેરના વિકાસ માટે અગાઉ વર્ષ 2012માં મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની રચના થઇ હતી પરંતુ મવડામાં સમાવિષ્ઠ ગામોના લોકોનો પ્રચંડ વિરોધ થવાની સાથે સ્થાનિક રાજકીય લોબી પણ મવડાના વિરોધમાં આવતા અંતે મવડાનું વર્ષ 2016માં બાળમરણ થયું હતું.જો કે, હવે ફરી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી અસ્તિત્વમાં આવી છે ત્યારે હવે બિલ્ડર-ડેવલોપર્સને પણ તમામ નીતિ-નિયમોને અનુસરવું પડશે.
શહેરી વિકાસ સત્તામંડળનું માળખું
અધિકારી સ્થાન
જિલ્લા કલેક્ટર અધ્યક્ષ
મ્યુ. કમિશનર સભ્ય
જિલ્લા વિકાસ અધિકારી સભ્ય
પ્રાદેશિક કમિશનર સભ્ય
યુએચડી અધિકારી, મનપા સભ્ય
જિલ્લા પંચાયત પ્રમુખ સભ્ય
ચીફ ટાઉન પ્લાનર સભ્ય
ચીફ ઈજનેર, મનપા સભ્ય
ડે.કમિશનર, મનપા સીઇઓ
ચાર ચૂંટાયેલ સભ્ય સભ્ય
