ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ
ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ સાધારણ સભા અને જરૂર પડ્યે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે ભાજપમાં રાજકારણ ગરમાયું છે.
દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત પડ્યા નથી, ત્યાં હવે આવી જ એક બીજી સંસ્થા એવી નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ ભાજપનો જંગ થવાના એંધાણ જોવા મળી રહ્યા હતા. જેમાં
ભાજપ સાથે જ સંકળાયેલા 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં નાફેડની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં મોહન કુંડારિયા ડિરેક્ટર પદે બિનહરીફ રહ્યાં છે. અન્ય ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચ્યું છે. નાફેડની ચૂંટણી પહેલા ભાજપ માટે રાહત સામે આવી છે. નાફેડની ચૂંટણીમાં ઇફ્કોવાળી થતા અટકી છે. તેમાં 21 મેના રોજ ચૂંટણી યોજાવાની હતી. પાંચ ટર્મ સુધી ધારાસભ્ય એવા કુંડારિયાએ વર્ષ 2001- ’02 ની મુખ્ય પ્રધાન તરીકેની સૌપ્રથમ
કેબિનેટમાં ગ્રામીણ વિકાસનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યો હતો. વર્ષ 2011- ’12 દરમિયાન તેમને ફરીથી આ જવાબદારી મળી હતી. આ પહેલાં વર્ષ 1998-2001 દરમિયાન તેઓ ગુજરાત બીજ નિગમના ચેરમેનપદે પણ રહ્યા હતા. પરંપરાગત રીતે ટંકારા વિધાનસભા બેઠક મોહનભાઈ કુંડારિયાનો ગઢ રહી છે. 1983થી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે. મે-2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી કેબિનેટનું ગઠન થયું એ પછી નવેમ્બર મહિનામાં તેમણે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું ત્યારે
કુંડારિયાને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન જ આ મંત્રાલયને કૃષિ અને કૃષક કલ્યાણ વિભાગ એવું નામ આપવામાં આવ્યું. તેઓ જુલાઈ-2016 સુધી આ પદ ઉપર રહ્યા હતા. એ પછી તેઓ કેન્દ્ર સરકારની અનેક સમિતિના સભ્યપદે પણ રહ્યા હતા.