ગઠિયાઓ એસએમસીમાંથી બોલતા હોવાની ઓળખ આપી આંગણવાડીમાં રજીસ્ટર થયેલ સગર્ભાઓ પાસે નાણા ઉસેડતા હોવાની મોરબીમાં ફરિયાદો
મોરબી : ગઠિયાઓ નાણા ઉસેડવાના નવા નવા રસ્તાઓ શોધી જ લેતા હોય છે. મોરબીમાં હવે આ ગઠિયાઓનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં તેઓ સગર્ભા બહેનોને સરકારી સહાયના નામે શિકાર બનાવતા હોવાની ફરિયાદ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આંગણવાડીની બહેનો જે તે વિસ્તારમાં સગર્ભાઓનું રજીસ્ટ્રેશન કરીને તેના આરોગ્યની સાળ સંભાળ રાખવાની સાથે સરકારી લાભો પહોંચાડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં હવે ગઠિયાઓએ પણ એન્ટ્રી લઈ લીધી છે. ગઠિયાઓ સગર્ભાઓના નંબર મેળવી તેઓને કોલ કરે છે.
જેમાં તેઓ જણાવે છે કે તેઓ એસએમસીમાંથી બોલે છે. આ યોજનામાં સહાય મંજુર થઈ છે. બેંકની ડિટેઇલ મોકલો અને આટલા રૂપિયા જમા કરાવો એટલે આપને સહાય મળી જશે. આવા કોલ લખધીરપુર રોડ અને ઉમિયા નગર સહિતના વિસ્તારોની સગર્ભા બહેનોને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં આ ગઠિયાઓ આંગણવાડી વર્કરોને પણ એસએમસીમાંથી બોલીએ છીએ તેવું જણાવી તેમના વિસ્તારના સગર્ભા બહેનોની વિગતો માંગે છે.
આઇસીડીએસના અધિકારી ભાવનાબેન ચારોલીયાએ જણાવ્યું કે એસએમસી એ સરકારનો એક વિભાગ છે. જે સમયાંતરે ચેક કરે છે સગર્ભાઓને સરકારી લાભ મળે છે કે કેમ?
આ બનાવોને ધ્યાને લઈને એસએમસીના નંબરો સગર્ભાઓને આપવા આંગણવાડીના બહેનોને અપીલ કરી છે. જેથી તેઓ બાકીના કોલને નજરઅંદાજ કરી શકે.