પંચાસીયા પાસે યુવતીનું ડૂબી જવાથી મોત
ડીઝલ પી ગયેલ બાળક સારવારમાં અને રોડ ક્રોસ કરતા યુવાનનો અકસ્માત
વાંકાનેર: પંચાસીયાથી અદેપર ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે એક યુવતી ગઈ હતી. તે દરમિયાનમાં
તે પાણીમાં ડૂબી જતા તેણીનું મોત નિપજયુ હતુ અને તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા એડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
આ અંગે વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અદેપર ગામે વાડીના પુલ નજીક પંચાસીયા ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે
કપડાં ધોવા માટે ગયેલ ટીનાબેન રામુભાઈ બિલવાલ (ઉંમર ૧૭) નામની યુવતી નદીમાં કપડાં ધોવા માટે ગયેલ હતી ત્યારે અકસ્માતે તે પાણીમાં ડૂબી ગઈ હતી. જેથી તેણીનું મોત થતાં ડેડબોડીને
પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ તરફથી જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ
વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો બનતો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.
ડીઝલ પી ગયેલ બાળક સારવારમાં
વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસ નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારના કાર્તિક પંકજભાઈ ભાંભોર
જાતે આદિવાસી નામના આઠ મહિનાના બાળકે તા.૨૩ ના રાત્રિના આઠેક વાગ્યે તેમના ઘરે રમતા રમતા ડીઝલ પી લીધું હતું. જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
ઢુવા પાસે રોડ ક્રોસ કરતા યુવાનનો અકસ્માત
વાંકાનેર હાઇવે ઉપર પોલીસના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર ઢુવા અને બંધુનગર વચ્ચેથી આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા
લાખાભાઈ મુળાભાઈ ભરવાડ નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
લાખાભાઈ રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણી રીક્ષાની હડફેટે ચડી જતા ઈજા પામતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.