વાંકાનેર તાલુકાના રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીડી અને ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોવાના કારણે અવાર નવાર જંગલી શિકારી પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી પહોંચી જતા હોય છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાત્રીના વાડી જતાં પણ ડરતાં હોય તેથી આ વિસ્તારના ખેડૂતોને રાત્રીના બદલે દિવસના સમયે વિજ પુરવઠો પુરો પાડવા પીજીવીસીએલને રજુઆત કરવામાં આવી છે.
ગઈ કાલે રાતીદેવળી ગામના ખેડૂતો પોતાની વ્યથા ઠાલવવા અને રજુઆત કરવા વાંકાનેર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરીએ આવ્યા હતા અને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાતીદેવળી ગામની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ડુંગરાળ, વૃક્ષોની ઝાડીઓ અને પાણીના ઝરણાં આવેલા છે, જેથી અવાર નવાર વરૂ, શિયાળ, દિપડા જેવા જંગલી શિકારી પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી ચડી આવતા હોય છે, જેમાં છેલ્લા એકાદ મહિનાથી જંગલી પ્રાણીઓના આંટાફેરા વધી જતાં આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની વ્યથા સમજી દિવસના લાઈટ આપવી જરૂરી છે.