2 માર્ચ, 2026 થી સીધી વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે
વાંકાનેર દર સોમવારે રાત્રે 11:08 વાગે ઉપડશે: રિટર્ન સોમવારે સાંજે 04:43 વાંકાનેર આવશે
મુસાફરોની સુવિધા અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતના મુસાફરોને સીધી કનેક્ટિવિટીનો લાભ મળશે.
ટ્રેનનું શેડ્યુલ અને સમયપત્રક
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ દર સોમવારે રાત્રે 22:30 કલાકે રાજકોટથી રવાના થશે, વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવશે અને બુધવારે વહેલી સવારે 05:15 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેનની સેવા 2 માર્ચ, 2026 થી 30 માર્ચ, 2026 સુધી એટલે કે કુલ 10 ટ્રીપ્સ માટે ઉપલબ્ધ રહેશે.
તેવી જ રીતે, પરત ફરતી ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી બપોરે 12:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે સાંજે 04:43 વાંકાનેર તથા 18:10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 1 માર્ચ, 2026થી 29 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે.
રૂટ અને સ્ટોપેજની વિગત
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં અનેક મહત્વના સ્ટેશનોને આવરી લેશે, જેમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, જોધપુર, જયપુર, મથુરા, બરેલી અને કિચ્છા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ વિસ્તૃત રૂટને કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક શહેરો સાથે રાજકોટ સીધું જોડાશે.
કોચની રચના અને બુકિંગ
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સેકંડ સ્લીપર અને જનરલ ક્લાસના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન નંબર 05046 માટેનું બુકિંગ 13 ફેબ્રુઆરી, 2026 થી શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો તમામ PRS કાઉન્ટર અથવા IRCTCની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાની ટિકિટ બુક કરાવી શકે છે.

