ટેકાના ભાવે વેચવા 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ
નોંધણી ‘વીસીઈ’ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે
કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવો
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંના પાકના ‘લઘુત્તમ ટેકાના ભાવ‘ (MSP) જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળી રહે તે હેતુથી સરકાર આ વર્ષે ₹ 2,585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ‘ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.’ દ્વારા કરવામાં આવશે. જો તમે તમારા ઘઉં સરકારને ટેકાના ભાવે વેચવા માંગતા હોવ, તો તમારે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. આ માટેનો સમયગાળો તારીખ 01 February, 2026 થી 01 March, 2026 સુધી નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આ નોંધણી પોતાના ગામમાં જ ગ્રામ્ય કક્ષાએ ‘વીસીઈ’ (VCE) મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે, જેથી તેમને તાલુકા મથકે ધક્કા ખાવા ન પડે.
સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકારે કડક પગલાં લીધા છે. રજીસ્ટ્રેશન વખતે ખેડૂત ખાતેદારોનું ‘બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન’ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જે ખેડૂતના નામે જમીન છે, તેની આંગળાની છાપ લેવામાં આવશે. આ પદ્ધતિથી ખોટી રીતે લાભ લેનારાઓને અટકાવી શકાશે અને સાચા ખેડૂતોને જ ફાયદો મળશે. ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયા 04 માર્ચ, 2026 થી શરૂ થશે અને 15 મે 2026 સુધી ચાલશે. નોંધાયેલા ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે કે તેમણે કઈ તારીખે અને કયા સેન્ટર પર પોતાનો પાક લઈને આવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન સમયે ખેડૂતોએ અમુક દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8/A તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકનો સમાવેશ થાય છે. જો 7/12 માં ઘઉંના પાકની નોંધ ન હોય, તો તલાટીનો સહી-સિક્કા વાળો વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે. નિગમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વેચાણ સમયે ખેડૂતે પોતાનું અસલ આધારકાર્ડ સાથે રાખવું પડશે. માત્ર બાયોમેટ્રિક મેચ થશે તો જ ઘઉંનો જથ્થો સ્વીકારવામાં આવશે. જો કોઈ ખેડૂતે ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હશે તો તેમનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે, તેથી સાચી વિગતો જ આપવી હિતાવહ છે.
ખેડૂતોને નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે. રાજ્ય સરકારે તમામ ખેડૂતોને સમયસર ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે, જેથી તેઓ ટેકાના ભાવનો મહત્તમ લાભ લઈ શકે.

