ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ
આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે
ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં ચણા અને રાઈ પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. 

કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે. કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 13 ફેબ્રુઆરીથી 05 માર્ચ, 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી આધાર ઓથેન્ટીકેશન દ્વારા “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. VCE દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે. જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં.

રાજ્યના ચણા અને રાઇ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે નોંધણી કરાવી. આ યોજનાનો મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર ચણા માટે રૂ. રૂ. 5875 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1175 પ્રતિ મણ) અને રાઇ માટે રૂ. 6200 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1240 પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
