વાંકાનેર: આજ રોજ વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘ્વજવંદન કાર્યક્રમનું સમગ્ર સંચાલન બાલવાટિકાનો સૌથી નાનો વિદ્યાર્થી એવા હર્ષ ઝાલાએ કર્યુ હતું તો જરમીન માથકીયા, ભૂમિ ઝાલાએ દેશભાવના વિશે સ્પીચ આપી હતી ઉપરાંત બાલવાટિકાના વિદ્યાર્થી એવા માહિર જલુએ રીપ્બ્લીક ડે વિશે અંગ્રેજીમાં સ્પીચ આપી હતી. નાના નાના ભૂલકાઓની રજુઆત જોઇ ગ્રામજનો ૫ણ આશ્ચર્ય સાથે આનંદની લાગણી અનુભવી હતી.
શાળાના તમામ ઘોરણના બાળકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીઘો હતો. નાના નાના બાળકોએ રામ લક્ષ્મણ જાનકી તથા હનુમાનજી બનીને રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો માહોલ ૫ણ ઉભો કર્યો હતો. સમગ્ર વાતાવરણ દેશભકિતમય, ભાવમય તેમજ ભકિતમય બની ગયુ હતું. આ દરમિયાન નાટકો, વિવિઘ નૃત્યો, પીરામીડ વગેરે રજુ થયા હતા.
ગામના ઉપસરપંચ એવા હુસેનભાઇ હાજી માથકીયા, એસ.એમ.સી. અઘ્યક્ષ એવા ભગીરથસિંહ ઝાલા, યુવા પ્રમુખ કે.બી. ઝાલા, નાનભા ઝાલા, બટુકભા, ઇકબાલભાઇ, એસ.પી ઝાલા, તેમજ બહોળી સંખ્યામાં ગામના યુવાનો, ભાઇઓ તથા ખાસ કરીને બહેનોએ હાજરી આપી હતી. આ દરમિયાન સમગ્ર બાળકોના યુનિફોર્મના દાતા એવા જીવા મીમનજી ભોરણીયાનું સન્માન કરવામાં આવ્યુ હતું (હસ્તે નિજામભાઇ ભોરણીયા, સી.એમ. મોટર્સ, મોરબી)
શાળાના આચાર્ય એવા અલ્પેશ દેશાણીએ શાળાની શૈક્ષણીક પ્રગતિ તેમજ બાળકોએ મેળવેલ વિવિઘ સિઘ્ઘીઓની વાત કરી હતી. સાથે સાથે શાળા માટે એક ભવ્ય બિલ્ડીંગ બનાવવાની તાતી જરૂરિયા હોઇ તે માટે રોડ ટચ જમીનની વ્યવસ્થા કરવા માટે આગેવાનોને આગળ આવી યોગ્ય કરી આપવા હાકલ કરી હતી.
શાળાનો શૈક્ષણિક સમય વ્યય કર્યા વિના ફકત ૧૪ કલાકની તૈયારી સાથે સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ ૨૦ જેટલી કૃતિઓ બાળકોએ રજુ કરી હતી. અને એ માટે શાળા ૫રીવારના તેજસ્વી શિક્ષકો એવા પૂનમબેન, છાયાબેન, મીનાક્ષીબેન, આયશાબેન, સાઘનાબેનની મહેનત રંગ લાવી હતી. શાળાના શિક્ષક એવા નરેશભાઇ જગોદણાએ કાર્યક્રમનું સંચાલન, મીડીયા અને સાઉન્ટ મેનેજમેન્ટની જવાબદારી સંભાળી હતી તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા રાજદિપસિંહ ઝાલા, ભવ્યરાજસિહં ઝાલાએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની વ્યવસ્થા સંભાળી હતી. શાળાના કાર્યક્રમ માટે જરૂરી સ્ટેજ અને મંડપ મુકેશભાઇ ગાંડુભાઇએ નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપેલ હતી. તમામ લાગણી માટે અને ગ્રામજનોની ભાગીદારી માટે એસ.પી. ઝાલાએ સૌનો આભાર માન્યો હતો.