કેરી ચોરવાના આરોપ લગાવી પાંચ જીઆરડી જવાનોએ માણેકવાડાના યુવાનને ગોંધી રાખીને માર માર્યો હોવાનો આરોપ
વાંકાનેર: હળવદ તાલુકાના માથકથી રાતાભેર જવાના રસ્તે વચ્ચે આવેલા ચેપાકુવા પાસે માણેકવાડાના યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ગઈ કાલે બપોરના સમયે અચાનક માણેકવાડાના યુવાનને અસહ્ય પીડા ઉપડતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવો પડયો હતો. ત્યારે આવો સિતમ વરસાવનાર જીઆરડી જવાનો સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવાનું રહ્યું.
હળવદ તાલુકાના ચેપાકુવા પાસે તારીખ 1 જૂનના રોજ બગીચામાંથી કેરી ચોરવાના આરોપ લગાવી પાંચ જીઆરડી જવાનોએ 3 કલાક સુધી યુવાનને ગોંધી રાખીને માર માર્યો હોવાનો આરોપ યુવાને લગાવ્યો છે. જેને લઈને તેને પગના તળીયા અને થાપામાં ઈજા પહોંચી હતી. ગઈ કાલે બપોરના સમયે યુવાનને અસહ્ય પીડા ઉપડતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કાયદો હાથમાં લઈને પાંચ જેટલા જીઆરડી જવાનોએ સિતમ વરસાવ્યો હોવાની યુવાને જાણકારી આપી હતી. ત્યારે આ સિતમ વરસાવનાર જીઆરડી સામે કાયદેસરના પગલા લેવા માટે લોકમાંગ ઉઠી રહી છે. જોકે અસહ્ય પીડા થવાથી માણેકવાડાના યુવાનને તાત્કાલિક હાલ તો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હોવાની જાણકારી મળી રહી છે.