ટૂંક સમયમાં ઇમારતને દૂર કરી દેવાશે:ચીફ ઓફિસર
વાંકાનેર: જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાંથી ધડો લઇને ગામેગામ સંબંધિત તંત્રએ ઠેર ઠેર જર્જરિત મકાનો બિલ્ડિંગો તથા ઈમારતોને નોટિસ ફટકારી દેવામાં આવી છે, ત્યારે વાંકાનેરના ગ્રીન ચોકમાં રાજાશાહી વખતનું જૂનું પોલીસ મથક છેલ્લા કેટલાય વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં છે, જેના બાંધકામમાં ઘાસ ઉગી નીકળ્યું છે.
તેથી સફાળા દોડતા થયેલા પાલિકા તંત્ર દ્વારા પોલીસ વિભાગને બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાની નોટિસ જારી કરી છે; જેના કારણે પોલીસ દ્વારા હરકતમાં આવી જર્જરિત મકાન પર આ બિલ્ડિંગ જર્જરિત છે જોખમી છે, તેવા બેનર લગાવી દેવામાં આવ્યા છે.
તેમજ આ બિલ્ડિંગ નીચે તેમજ આસપાસ લારી ગલ્લા તથા વેપારીઓને તાત્કાલિક અસરથી હટાવી ત્યાં આડસો મૂકી દેવામાં આવી છે.
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા જણાવાયું હતુ કે બિલ્ડિંગ અતિ બિસ્માર હાલતમાં છે જર્જરિત છે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, તેથી પોલીસ વિભાગને નોટિસ જારી કરવામાં આવી હતી અને ટુંક સમયમાં મકાનને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.