વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે
વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે
મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન તા.૧૧ થી તા.૨૦ સુધીમાં જે સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી તાલુકામાં ૯૪, વાંકાનેર તાલુકામાં ૪૦, હળવદ તાલુકામાં ૩૦, ટંકારા તાલુકામાં ૧૪, માળિયા તાલુકામાં ૧૧ એમ જીલ્લાના કુલ ૧૮૯ સગર્ભા બહેનોની સંપૂર્ણ વિગત સાથે માહિતી એકઠી કરી લીધેલ છે.
તેમનું દૈનિક ધોરણે આરોગ્ય કર્મચારી તથા આશા બહેનો દ્વારા સઘન ફોલોઅપ લઈને તેની સલામત પ્રસુતિ થાય તેની સમ્પૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
જિલ્લામાં કુલ ૧૬ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે જેમાં તાલુકા હળવદમાં ૩, માળિયામાં ૨, મોરબીમાં ૭, ટંકારામાં ૧, વાંકાનેરમાં ૩ એમ કુલ મળીને ૧૬ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.
એન્ટી એપેડેમિક દવાઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરી જિલ્લા કક્ષાએથી તમામ આરોગ્ય કેન્દ્રોમાં ઈમરજન્સી દવાના સ્ટોક અંગેની ખરાઈ કરવામાં આવેલ છે. દરેક તાલુકા દીઠ એક-એક રેપીડ રિસ્પોન્સ ટીમની રચના કરી દેવામાં આવી છે.
આ ટીમમાં વાહન જરૂરિયાત મુજબ તમામ દવાઓ, ડૉક્ટર અને પેરામેડીકલ સ્ટાફ સહિત જીલ્લામાં કુલ ૫ રેપીડ રિસ્પોન્સ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.વાવાઝોડા અંતર્ગત આરોગ્યને લગતા સંદેશાઓની આપ-લે કરવા માટે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. દરેક અધિકારીશ્રી / કર્મચારીશ્રીની રજા રદ કરેલ છે.
તેમજ દરેક અધિકારી અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ઉપર ફરિજયાત હાજર રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. વાવાઝોડાઓથી થતી ઈજાઓની સારવાર તેમજ વાવાઝોડા સાથે વરસાદના કારણે પાણીજન્ય રોગ ચાળો તથા વાહકજન્ય રોગચાળો ઉદભવે નહિ તેની તકેદારી બાબતેનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા કરી દીધેલ છે.
આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં વાવાઝોડામાં સ્થળાંતરિત કરેલ લોકોનું મેડીકલ ટીમ દ્વારા સમયાંતરે મેડીકલ ચેકઅપ કરવામાં આવશે, તેવું મોરબી જિલ્લા પંચાયતની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.