હપ્તો: પહેલો
સાદી રેતી અંગે કેટલાક નિયમો
રેતીને વહન દરમ્યાન યોગ્ય રીતે ઢાંકવાનો નિયમ
ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરવા પર મનાઈ
આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર
મંજુર કરાયેલ વિસ્તારમાં પાકા હદ નિશાન અને ઠેકેદારનું નામ, વિસ્તાર, મંજુર થયા તારીખ અને મુદત દર્શાવતું સાઇનબોર્ડ રાખવું ફરજીયાત
સાદી રેતી ખનીજ વિસ્તારોના બ્લોક ગુજરાત ગૌણ ખનીજ (કન્સેશન) નિયમો-૨૦૧૦ ના નિયમ-૬૯ હેઠળ હરરાજીથી નિકાલ કરવા બાબતઃ
ઠરાવ ક્રમાંક: જીએમઆર-૨૦૧૨-૧૯૧-૪૮ ૩-છ તા: ૧૪-૮-૨૦૧૨ મુજબ, શરતો પૈકી કેટલીક અગત્યની નિચે પ્રમાણે છે.
૦ ઉદ્યોગ અને ખાણ વિભાગના તા:૨૬-૮-૨૦૧૦ના જાહેરનામા પ્રમાણે બ્લોકની ફાળવણી કરવા અંગે કલેકટરશ્રી સક્ષમ અધિકારી રહેશે. કલેકટરશ્રીએ ઓફરો મંગાવતા અગાઉ સૂચવાયેલા બ્લોકની પુનઃમાપણી/ખાતરી કરી લેવાની રહેશે અને તે અન્વયે મીનીમમ બીડ પ્રાઇઝ આખરી કરવાના રહેશે.
૦ સંજોગોવસાત જાહેર હરરાજી માટે કોઇ પ્રતિસાદ ન મળે તો લઘુત્તમ ભીડની રકમ કરતા ઓછા દરે ફરીથી પુનઃ હરરાજી કરવાનો નિર્ણય સંબંધિત કલેક્ટરશ્રી કક્ષાએ કરવાનો રહેશે.
૦ સફળ થયેલ બીડર દ્વારા પાલન માટે રૂા. ૧૦,૦૦૦/-દ્વારા બીડની શરતોના યોગ્ય સિક્યોરીટી ડીપોઝીટ તરીકે એગ્રીમેન્ટ કરાવવા પહેલા જમા કરાવવાના રહેશે.
૦ ઠેકો-હરરાજીની મુદત કરારખત તારીખથી ૩ વર્ષની રહેશે.
૦ સક્ષમ અધિકારી દ્વારા જે તે બ્લોક /વિસ્તાર માટે જરૂરી વિગતો ભરેલ ટેન્ડર બંધ કવરમાં ઓછામાં ઓછા ૧૫ દિવસની મુદત આપીને ખાણકામ માટે ઉપલબ્ધ બ્લોકની જાહેરાત રાજયના બહોળી પ્રસિધ્ધી ધરાવતા નિયત અખબારોમાં આપવાની રહેશે. એક વ્યક્તિ/કંપની/સંસ્થાને ફકત એક જ વિસ્તાર માટેની આખરી બીડ સ્વિકારવામાં આવશે. એક જ જાહેરનામા પૈકીના એક કરતા વધુ બ્લોક મંજુર રાખી શકાશે નહિં.
૦ બીડર દ્વારા બોલાયેલ ઉંચી બોલી પ્રમાણેની અને કલેક્ટરશ્રી દ્વારા જે તે બોલીની રકમ જમા કરાવવાનું શ્યોરીટી બોન્ડ આપવાનું રહેશે. પસંદગી પામેલ અરજદારે એક વાર, ૨૦ ટકા રકમ ભર્યા પછી એગ્રીમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ બાકીની ૮૦ ટકા રકમ એક સરખા ૮ કે ૧૦ હપ્તામાં દર માસે ભરવાના રહેશે. બીડરે વાહનો જવા-આવવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.
૦ સફળ થયેલ બીડર, ખાણકામ અંગેના પોતાના હકો અન્ય વ્યકિતને કોઈ પણ પ્રકારે ભાડેથી/વેચાણથી કે અન્ય કોઇ પણ રીતે તબદીલ કરી શકશે નહીં. આવી તબદીલી ગેરકાયદેસર ગણાશે તેમ જ અન્ય વ્યકિત દ્વારા થયેલ શરતભંગ અંગે બીડરની જવાબદારી રહેશે.
૦ હરરાજીથી બ્લોક મેળવનારે ગૌણ ખનીજ છુટછાટ નિયમો-૨૦૧૦ અથવા ત્યાર બાદ તેમાં થયેલ સુધારા અન્વયે વાર્ષિક ધોરણે ખોદકામનાં દર્શાવેલ મહત્તમ જથ્થા પૂરતી લાગુ પડતી રોયલ્ટી ભરવાની રહેશે નહિ, અને વાર્ષિક ધોરણે ખોદકામના દર્શાવલ મહત્તમ ખનીજ જથ્થા કરતા વધારે ખોદકામ થયેલ હશે તો તે વર્ષ દરમ્યાનના વધારાના જથ્થા પૂરતી મહત્તમ બીડની રકમ મુજબ પ્રતિ મે. ટનના પ્રોરેટા દરે લાગુ પડતી બીડની રકમ અગાઉથી એડવાન્સ ભરપાઈ કરવાની રહેશે. રેતી વહનના હેતુ માટે જીલ્લા ભુસ્તરશાસ્ત્રી દ્વારા ઠેકેદારને જરૂરિયાત મુજબ અને તબક્કાવાર રોયલ્ટી પાસ આપવાના રહેશે. જેના પર વાર્ષિક ધોરણે નિયત કરેલ મહત્તમ ખોદકામના ખનીજ પૂરતા frre royalty pass for sand નો સિક્કો લગાવવાનો રહેશે.
૦ કરારનો સમય પૂરો થયેથી અથવા તે પછી, બીડર દ્વારા તેઓના ફાળવેલ વિસ્તારમાંથી ખનીજનો કોઈ જથ્થો કાઢી શકાશે નહિં અથવા એકત્ર કરેલ જથ્થો પણ ખસેડી શકાશે નહિ.
૦ રેતીનું ખાણકામ નદી પટ/વહેણમાં સુધારો થાય તે પ્રમાણે કરવાનું રહેશે.
૦ નદી વહેણમાં સાદી રેતીનું ૧૦ મિટરની ઉડાઈ સુધી બે થી ત્રણ તબકકામાં ખાણકામ કરવામાં આવે તે જોવાનું રહેશે. ખાણકામ દરમ્યાન રેતી સિવાય અન્ય ખનીજ મળે તો સંબંધિત કલેક્ટરશ્રીને જાણ કરી તેના નિકાલ માટે નિયમોનુસાર મંજુરી/પરમીટ મેળવ્યા બાદ તે જગ્યો ઉપાડવાનો રહેશે.
૦ દરમ્યાન ઉત્પાદન થયેલ બિન ખાણકામ જરૂરી કંકર-ચીટ વિગેરેનો નદી પટ્ટમાં ઢગલા ન કરતાં દૂરના યોગ્ય તે વિસ્તારમાં ભુસ્તરશાસ્ત્રી સૂચવે તે મુજબ નાખવાના રહેશે અથવા આવા મટીરીયલ્સના ઢગલ કરતા ભુસ્તરશાસ્ત્રી સૂચવે તે વિસ્તારમાં પાથરી દેવાના રહેશે.
૦ સફળ થયેલ બીડર ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરી શકશે નહિ. આ ઉપરાંત હવાના પ્રદુષણ નિયંત્રણ માટે રેતીને વહન દરમ્યાન આસપાસ હવામાં ફેલાય નહિં, તે માટે યોગ્ય રીતે ઢાંકીને વહન કરવાનું રહેશે.
૦ ચોમાસાની ઋતુમાં નદી પટ્ટમાં બનાવેલ રસ્તાઓ પાળાઓ દૂરકરવાના રહેશે.
૦ ઠેકા હેઠળ આપેલ પટ્ટાની મુદત દરમ્યાન કોઇક સંજોગવસાત ખાણકામ થઈ શકશે નહિં તો તે સમયગાળો ઠેકાની મુદત પૂર્ણ થયા પછી કોઈ પણ સંજોગોમાં વધારી આપવામાં આવશે નહિં.
૦ સફળ થયેલ બીડર દ્વારા માઇન્સ એન્ડ મીનરલ એકટ, ૧૯૫૭ અને તે હેઠળના નિયમો અને રાજ્ય સરકાર અથવા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
૦ સફળ થયેલ બીડરને ઠેકા હેઠળ મંજુર કરાયેલ વિસ્તારમાં પાકા હદ નિશાન અને ઠેકેદારનું નામ, વિસ્તાર, મંજુર થયા તારીખ અને મુદત દર્શાવતા સાઇનબોર્ડ રાખવાના રહેશે.
૦ દરેક સફળ થયેલ બીડર દ્વારા રેતી ખનીજનું નિકાસ કોમ્પ્યુટરાઈઝડ વે-બ્રીજ દ્વારા વજન કરાવીને જ કરવાનું રહેશે.
સફળ થયેલ બીડરને જરૂરિયાત અને ઉપલબ્ધતા મુજબ મંજુર થયેલ વિસ્તારથી નદી કિનારા તરફના ૫૦ મિટર જેટલી પહોળાઇનો વિસ્તાર માલના સ્ટોક અને હેરફેર કરવા માટે બફર ઝોન તરીકે આપવાનો રહેશે. જેમાં કોઈ પણ પ્રકારનું ખાણ કામ થઈ શકશે નહિ. આવા વિસ્તારમાં અન્યને જવા આવવા માટે ઠેકેદાર દ્વારા અડચણ ઉભી કરી શકશે નહિં.
૦ રેતીનો જથ્થો અન્ય રાજય કે વિદેશમાં મોકલી શકાશે નહિં.
રાજ્યમાં ગેરકાયદેસર માઈનીંગ બાબતે પો. સ્ટે. ઇન્ચાર્જ દ્વારા કાર્યવાહી:
અધિક પોલીસ મહાનિર્દેશક- ગાંધીનગર, સી.આઇ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા તા: ૮-૧-૨૦૧૩ ના પત્ર દ્વારા જણાવેલ કે રાજ્યમાં ગે.કા. માઈનીંગ સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન ક્રમ એમ્પાવર્ડ કમિટી એન્ડ સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સની મીટીંગમાં રજૂઆત કરવામાં આવેલ કે રાજયમાં થતાં ગેરમાયદેસર માઈનીંગ અંગે કરવામાં આવતી કાર્યવાહી દરમ્યાન હકુમત ધરાવતા પો. સ્ટે.ના ઇન્ચાર્જશ્રીઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરતાં ઇસમો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા તેમ જ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ વાહનો જપ્ત કરવા બાબતે સહકાર ને મળતો હોવાને કારણે આવી પ્રવૃત્તિઓ ઉપર અસરકારક રોક લગાવી શકાતી નથી. જેથી આ બાબતે રાજયમાં ચાલતાં ગેરકાયદેસર માઇનીંગ ઉપર અસરકારક રોક લાગે તે માટે સંપૂર્ણ સહકાર આપવો. તાત્કાલિક એફઆઇઆર રજીસ્ટર કરી ઉપયોગમાં લેવાયેલ વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવી
વાહનોની વહન ક્ષમતા કરતા વધુ માત્રામાં ખનિજનું વહન ન કરવા:
અધિક નિયામક અપીલ અને ફલાઇંગ સ્કવોડે એક પરિપત્ર બહાર પાડયો છે કે જીલ્લા કક્ષાએથી તેમ જ વડી કચેરીએથી કરવામાં આવતી વાહનોની તપાસ સમયે વાહનોની નોંધણી પુસ્તિકામાં નોંધ વહનક્ષમતા કરતા વધારે માત્રામાં ખનિજ ભરી વહન કરતા (ઓવરલોડ) વાહનો વારંવાર પકડાય છે. મૂળભુત રીતે આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર છે. આથી આ બાબતે નિયંત્રણ માટે તમામ સંબંધિતોને જાણ કરવામાં આવી છે. આવા કિસ્સામાં ખનીજ ભરી આપનારને પણ જવાબદાર ગણવાના રહેશે
ખનીજના ઢગલા બાજુની જમીનમાં કરવા બાબત:
ઉદ્યોગ અને ખાણ વિભાગે તાઃ ૪-૧-૨૦૧૧ના પરીપત્ર બહાર પાડેલ કેઃ રાજયમાં માઈન્સ એન્ડ મીનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ-૧૯૫૭ અને તે હેઠળ બનેલા મીનરલ્સ કન્સેશન રૂલ્સ-૧૯૬૦ અને ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો-૨૦૧૦ હેઠળ ખાણ પટ્ટા મંજુર કરવામાં આવે છે. બિન અધિકૃત ખતીજ ખોદકામ /વહન/સંગ્રહ અટકાવવા માટે આ કાયદાની કલમ-૨૩ (સી) હેઠળ ગુજરાત મીનરલ રૂલ્સ-૨૦૦૫ અમલમાં છે.
અધિકૃત લીઝ હોલ્ડર દ્વારા કેટલીક વાર લીઝમાંથી ખોદી કાઢેલ ખનીજનો જથ્થો/ઓવર બર્ડન લીઝ વિસ્તારને અડીને આવેલ સરકારી કે ખાનગી જમીનમાં કામચલાઉ ઢગલા કરવામાં આવે છે. બેન્ટોનાઇટ અને ચોક જેવા ખનીજના કિસ્સામાં આ ખનીજમાં રહેલો ભેજ દૂર કરવાની જરૂરિયાત રહેતી હોવાથી પટ્ટેદારો દ્વારા લીઝ વિસ્તારથી અડીને આવેલ સરકારે કે ખાનગી જમીનમાં તે પાથરવામાં આવે છે. નિયમો અનુસાર, લીઝ વિસ્તારમાંથી નિકાસ કરવામાં આવના ખનીજ ઉપર સરકારશ્રીએ નક્કી કરેલ રોયલ્ટીની ભરપાઇ કર્યા બાદ ખનીજો લીઝ વિસ્તારની બહાર લઈ જઈ શકાય છે. ગુજરાત પ્રીવેન્શન ઓફ ઇલીગલ માઈનીંગ રૂલ્સ -૨૦૦૫ હેઠળ આ પ્રકારે પાથરેલ/ઢગલા કરેલ ખનીજો બાબતે, ખનીજનું બીન અધિકૃત રીતે સંગ્રહ કરેલ આવા કિસ્સામાં પટ્ટેદાર પાસેથી ખનીજ કિંમત વસુલ કરવામાં આવે છે. હકીકતમાં પટ્ટેદારોનો બીન અધિકૃત ખનીજ ખોદકામ/વહન કે સંગ્રહ કરવાનો ઇરાદો હોતો નથી. પરંતુ જગ્યાના અભાવે અને ખોદકામ કરવામાં આ જથ્થો અવરોધરૂપ ન બને તે હેતુસર લીઝ વિસ્તારની બહાર ઢગલા કરેલ હોય છે. જે હળવી ગેરરિતી છે. તેમાં નિચે મુજબની કાર્યવાહી કરવી.
(અ) પટ્ટેદાર /લીઝધારક દ્વારા જીલ્લા ભુસ્તરશાસ્ત્રી/ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને જાણ કરીને ખનીજ/ઢગલા પાથરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં રોયલ્ટીના અડધા દર જેટલી રકમ વધારાના ચાર્જ તરીકે વસુલ કરવાની રહેશે.
(બ) પટ્ટેદાર/ભુસ્તરશાસ્ત્રી / મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને જાણ કર્યા વગર જો આમ કર્યું હોય તો સિંગલ રોયલ્ટી વધારાના ચાર્જ તરીકે વસુલ કરવાની રહેશે.
સાદી રેતી ખનીજના ખોદકામ માટે ડીસ્ટ્રીક્ટ એરીઆ કમિટિની રચના કરવા બાબત:
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક: પીઆઈએલ/૨૦૧૧/એચસી -14 (6)/તા: ૨૭-૧૨-૨૦૧૨ મુજબ, નામ. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ PIL No.6/2011, MURJI LAKHA BAROT V/S STATE OF GUJARAT માં નામ.
હાઇકોર્ટે આપેલ નિર્દેશ અનુસાર The Kerala Protection of River banks and Regulation of Sand Act, 2011 ની જોગવાઇઓ ગુજરાત રાજયમાં કેટલે અંશે લાગુ કરી શકાય તેનો અભ્યાસ કરવા માટે વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવશ્રીના અધ્યક્ષસ્થાને એક કમિટિ રચવામાં આવેલ છે, તેની તા:૮-૮-૨૦૧૨ના રોજ યોજાયેલ બેઠકમાં સાદી રેતી ખનીજના ખોદકામ માટે લેવાયેલ નિર્ણયો પૈકીના એક નિર્ણય મુજબ ડીસ્ટ્રીક્ટ એરીઆ કમિટિ નામની સમિતિ રચવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પુખ્ત વિચારણાને અંતે રાજય સરકારે સાદી રેતી ખનીજના ખોદકામ માટે ગુજરાતમાં કેટલાંક નિયંત્રણો લાગુ કરવાના હેતુસર નીચે દર્શાવ્યા મુજબની સમિતિની રચના કરવાનું ઠરાવેલ છે. સમિતિના અધ્યક્ષ તરીકે જીલ્લા કલેક્ટર અને સભ્ય સચિવ તરીકે ભૂસ્તરશાસ્ત્રી-મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ઉપરાંત સભ્યોમાં જીલ્લા પંચાયતના વન અધિકારી, જીલ્લા મજુર અધિકારી, પાણી પુરવઠા વિભાગના હાડ્રજીઓલોજીસ્ટ, સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર-મ્યુનિ. કમિશ્નરના પ્રતિનિધિ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી, પર્યાવરણ ક્ષેત્રના કોઈ પણ નિષ્ણાંત-જેની રાજય સરકાર તરફથી નિમણૂંક કરવામાં આવે તે, જીલ્લાના સરપંચો પૈકી કોઈ પણ બે સરપંચ- જેની કલેક્ટર તરફથી નિમણુંક કરવામાં આવે તે (જીલ્લાના રેતી ખનીજ ધરાવતા વિસ્તારના ગામો પૈકી),
આ સમિતિના કાર્યો આ મુજબ રહેશેઃ
(૧) સમિતિએ જીલ્લામાં સાદી રેતી ખનીજના નિકાલ માટે મંજુરી આપવા વિસ્તારો નક્કી કરવાના રહેશે. (૨) જે તે વિસ્તારમાંથી કરવાપાત્ર સાદી રેતી ખનીજનો કુલ જથ્થો નક્કી કરવાનો રહેશે. (3) જીલ્લાના સાદી રેતી ખનીજ મળી આવતા વિસ્તારોમાંથી અન્ય વિસ્તારમાં ખનીજ વહન કરવા ઉપર નિયંત્રણ મુકવા અંગેની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. (૪) કોઈ પણ વિસ્તારમાંથી સાદી રેતી ખનીજનું કામચલાઉ રીતે ખોદકામ બંધ કરવા બાબતે કાર્યવાહી કરવાની રહેશે. (૫) જીલ્લાના નદી પટ્ટ વિસ્તારોનું સંરક્ષણ થાય અને કોઈ દબાણ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. (૬) જીલ્લામાં આવેલા નદી-કાંઠા વિસ્તારોના જૈવિક પર્યાવરણ સુરક્ષા માટે રાજ્ય સરકારને સલાહ આપી શકશે. (7) જિલ્લાના નિશ્ચિત વિસ્તારોમાં સાદી રેતી ખનીજના ઉત્ખનન ઉપર રાજય પ્રતિબંધ મૂકવા સરકારને ભલામણ કરી શકશે. (૮) રાજય સરકાર તરફથી વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. (૯) જીલ્લામાં આવેલા સાદી રેતી ખનીજના વિસ્તારોનો અભ્યાસ કરી કયા વિસ્તારોમાંથી રેતી ખનીજનો કેટલા પ્રમાણમાં નિકાલ કરી શકાય તેનો અહેવાલ તૈયાર કરવાનો રહેશે. જે તે વિસ્તારમાંથી સમિતિ દ્વારા નકકી કરવામાં આવે તેના કરતાં વધારે જથ્થાનો નિકાલ કરી શકાશે નહિ. (૧૦) સમિતિએ Mines and Minerals (Development & Regulation) Act, 1957 અને તે હેઠળ બનેલા નિયમો તેમ જ રાજય સરકાર તરફથી આપવામાં આવેલી સામાન્ય કે ખાસ સૂચનઓને ધ્યાને લઈને રીવર બેન્ક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનો રહેશે. (૧૧) જીલ્લા કલેક્ટરશ્રીએ રીવર બેન્ક ડેવલપમેન્ટ પ્લાનનો અમલ કરતાં પહેલાં રાજય સરકારની મંજુરી મેળવવાની રહેશે. (૧૨) સાદી રેતી ખનીજ આવતા હોય તેવા નદી કાંઠાના વિસ્તારો ઉપર વૃક્ષારોપણ અંગેની કાર્યવાહી વન વિભાગની મદદથી કરાવવાની રહેશે. (૧૩) રેતી ખનીજના નિકાલ કરવાપાત્ર વિસ્તારો માટે સક્ષમ અધિકારી દ્વારા Mines and Minerals (Development & Regulation) Act, 1957 અને તે હેઠળ રાજય સરકારે ઘડેલા ગૌણ ખનીજ છૂટછાટ નિયમો-૨૦૧૦ને અનુરૂપ રાજય સરકાર તરફથી વખતોવખત નકકી થતી ગાઇડલાઇન્સ-સૂચનાઓને આધિન કાર્યવાહી કરવાની રહેશે.
સમિતિની રચના અંગેની સામાન્ય સૂચનાઓ આ મુજબ છેઃ
આ સમિતિ બે મહિનામાં એક વખત મળશે. આ સમિતિ જીલ્લા કક્ષાની સમિતિ ગણાશે અને જીલ્લા કક્ષાએ કાર્યો કરશે. આ સમિતિની મુદત ત્રણ વર્ષની રહેશે, ત્યાર બાદ સભ્યોની નવેસરથી નિમણૂંક કરી શકાશે. જીલ્લા કલેક્ટર દ્વારા નિમણૂંક પામેલ કોઈ પણ સભ્ય ઇચ્છે તો કલેક્ટરને લેખિતમાં નોટીસ આપીને રાજીનામું આપી શકશે અને તેઓનું રાજીનામું સ્વિકાર થયેથી કલેક્ટરે એક માસમાં તે જગ્યા ઉપર અન્ય સભ્યની નિમણૂંક કરવાની રહેશે. સમિતિના ૧/૩ સભ્યોની હાજરીને કોરમ ગણવામાં આવશે. (કાયદા અંગે વધુ બીજો હપ્તો ક્રમશ:)
