રોમાંચક ફાઇનલમાં વડોદરા વિજેતા
રાજ્યની 12 ટીમોના 170 ખેલાડીઓએ ભાગ લીધો
વાંકાનેરમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ
ભવ્ય આયોજન, અનેરો ઉત્સાહ જોવા મળ્યો
વાંકાનેર : ભારતમાં ક્રિકેટ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) અને ફુટબોલ (ઇન્ડિયન સુપર લીગ) બાદ સૌથી વધુ કોઈ ખાનગી લીગ જોવાતી હોય તો તે છે પ્રો કબડ્ડી લીગ. ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં વાંકાનેરમાં રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. વાંકાનેરના રાજવી, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના પ્રયાસોથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરમાં ‘ગુજરાત કબડ્ડી લીગ’નું આયોજન કરાયું હતું. કેસરીદેવસિંહ સિંહજીના પ્રયાસો અને મુખ્ય આયોજક તરીકે આ લીગ વાંકાનેર જેવા તાલુકા મથકે સૌપ્રથમ વખત યોજવામાં આવી હતી. આ પ્રકારની ટુર્નામેન્ટ જ્યારે તાલુકો મથકે યોજાય છે ત્યારે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. વિધાર્થીઓ ખેલાડીઓને રમત ગમત પ્રત્યે પ્રોત્સાહન મળે છે.
ગુજરાત કબડ્ડી લિગ
26 જૂન થી 30 જૂન સુધી આ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાં 12 ટીમો અને 170 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 12 ટીમોમાં વડોદરા, અમદાવાદ, આણંદ, સુરત ગ્રામ્ય, ખેડા, નવસારી, ગાંધીનગર, મોરબી, સુરત સિટી, ગીર સોમનાથ, અને વાંકાનેરની ટીમો સામેલ હતી. અનેક ખેલાડીઓએ જે નેશનલ રમી ચૂક્યા હોય તેઓ આ લીગ રમ્યા હતા. જેથી મેચ નિહાળવા સ્થાનિક ઉભરતા ખેલાડીઓ, બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાર દિવસ સુધી લીગ મેચ રમાયા હતા અને ત્યારબાદ સેમી ફાઈનલમાં વડોદરાની ગાંધીનગર સામે જીત થઈ, તો આણંદની સુરત ગ્રામ્ય સામે જીત થતા વડોદરા અને આણંદ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો.
ફાઇનલમાં રોમાંચક મેચમાં માત્ર ત્રણ પોઇન્ટના અંતરથી વડોદરાની ટીમ મેચ જીતી ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં બેસ્ટ રેઇડરનો એવોર્ડ કિશન પંડ્યા (વડોદરા), બેસ્ટ ઓલ રાઉન્ડરનો એવોર્ડ હાર્દિક ગોજિયા (મોરબી) અને બેસ્ટ ડિફેન્ડરનો એવોર્ડ વાસ મુંજાલ (આણંદ)ને અપાયો હતો. આ ઉપરાંત વિજેતા ટીમ વડોદરા, રનર અપ ટીમ આણંદ અને ત્રીજી તથા ચોથી પોઝિશન પર આવનાર ટીમ સુરત ગ્રામ્ય અને ગાંધીનગરને પણ ઇનામ અપાયા હતા.
ઇનામ વિતરણ સમાપન સમારોહના મુખ્ય મહેમાન ‘સાંજ સમાચાર’ના યુવા એડિટર કરણભાઈ શાહ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા વગેરેના હસ્તે અપાયા હતા. આ તકે મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, વાંકાનેરના આગેવાન પ્રદીપભાઈ મેહતા, મયુરભાઈ મેહતા, અને વૈભવ મીડિયાના વિજયભાઈ મહેતા પણ ઉપસ્થિત હતા.
વાંકાનેરમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટે પ્રયાસો કરાશે : કેસરીદેવસિંહજી ઝાલા
રાજકોટ : રાજ્યસભાના યુવા સાંસદ, રાજવી કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું આ વખતે ગુજરાત કબડ્ડી લીગનું ભવ્ય આયોજન કરાયું છે, જેને વાંકાનેરના નાગરિકોએ ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો. આગામી દિવસોમાં અનેક વધુ ટુર્નામેન્ટ વાંકાનેરમાં રમાઈ અને સાથોસાથ વાંકાનેરમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસે તેવા પ્રયાસો કરાશે. ગુજરાત કબડ્ડી લીગમાં નેશનલ લેવલના ખેલાડીઓ રમતા હતા. તો ત્યારે તેમના મેચ નિહાળવા યુવાનો ઉમટી પડ્યા. આ સાથે દરેક મેચ પૂર્વે અને અંતમાં હનુમાનજી મહારાજની છબી આગળ પ્રાર્થના થતી. મેચ દરમ્યાન ટીમની હાર જીત થાય, પણ એક સ્પોર્ટ્સમેન સ્પિરીટ પણ દેખાતી હતી. પ્રથમ વખત યોજાતી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટથી સ્થાનિકોએ સાંસદ સાથે રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો…