માનવીનું જીવન અનિશ્ચિતતાથી ભરપૂર હોય છે, અનેક સામાજિક પ્રસંગો ઉકેલવાના હોય છે, કુદરતની લાગતી થપાટો સામે ઝઝુમવાનું હોય છે, વિપરીત સંજોગોમાં ટાંચી આવક સામે લાચાર બની રૂપિયા વ્યાજે લે છે. જુવાન દીકરીના લગ્ન હોય કે ઘરનો કોઈ સભ્ય બિમાર પડે, એમણે ગમે તેમ કરીને પૈસાનો મેળ કરીને આવેલ આફતમાંથી બહાર નિકળવાનું હોય છે. વ્યાજે રૂપિયા ધીરનાર સામેવાળાની હાલત અને ગરજથી સારી પેઠે વાકેફ હોઈ મનફાવે તેવા વ્યાજનના દર વસુલે છે. વ્યાજે નાણાં આપનાર બધી રીતે પૂરો હોય છે. નાણા પાછા મેળવવાની તાકાત રાખનાર જ આ ક્ષેત્રમાં પગ મૂકતા હોય છે. ઘણા કિસ્સામાં મામલો આપઘાત સુધી પહોંચે છે, સમાજની આ બદી દૂર કરવા સરકારની ખાસ કરીને પોલીસખાતાની ઝુંબેશ આવકારદાયક છે.
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામેના અભિયાનથી ઘણા પરિવારોને રાહત મળી છે. ગુજરાત પોલીસે વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર બની કે તરત જ વ્યાજખોરો સામે પહેલું અભિયાન ચલાવવામાં આવ્યું. પોલીસની કાર્યવાહી બાદ હવે વ્યાજખોરો કાબૂમાં છે.
પોલીસે રાજ્યભરમાં 3500 જેટલા લોકદરબારનું આયોજન કર્યું હતું. આ લોકદરબારમાં 1.29 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. પોલીસની કાર્યવાહીએ હજારો લોકોને વ્યાજખોરોના ભ્રષ્ટાચારથી બચાવ્યા. રાજ્યવ્યાપી પોલીસ અભિયાન દરમિયાન, 847 FIR નોંધવામાં આવી હતી. 1481 આરોપીઓ સામે ગુનો નોંધાયો, 1039 આરોપીઓની ધરપકડ. જ્યારે અસામાજિક તત્વો, 27 વ્યાજખોરો સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ મેળવ્યા બાદ સરકારે રાહત આપી. અમદાવાદમાં 4000 હોકર્સને લોન લેટર આપીને તેઓને એવી રીતે મદદ કરવામાં આવી છે કે તેમને શાહુકાર પાસે જવું ન પડે.
પોલીસે સરકારી યોજના હેઠળ હોકર્સને 10, 20 અને 50 હજાર રૂપિયા સુધીની લોન આપવાનું શરૂ કર્યું. હોકર્સ સુધી પહોંચવા માટે પોલીસે દરેક વિસ્તારમાં લોન મેળાનું આયોજન કર્યું હતું. જેમાં 12 હજારથી વધુ હોકરોએ ફોર્મ ભર્યા હતા જે બાદ 4200થી વધુ હોકરોને લોન મંજૂર કરવામાં આવી હતી. આ તમામને 10, 20 અને 50 હજાર સુધીના ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા હતા. એક તરફ સરકાર વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરી રહી છે અને બીજી તરફ લોન આપીને જરૂરિયાતમંદોની મજબૂરી દૂર કરી રહી છે. આ પ્રયાસ રાજ્યમાં સ્વસ્થ વાતાવરણ સર્જવામાં ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે.
પોલીસતંત્રના પ્રયાસો રંગ લાવી રહ્યા છે. ફરિયાદ કરવા બહાર આવી રહ્યા છે. લાંબા ગાળે આના પરિણામો મળશે, એવી આશા જાગી છે.