ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પણ રસાકસી છે
ગુજરાત ની 2017 ની ધારાસભાની ચૂંટણીમાં કુલ 182 સીટ ઉપર ભાજપને 49.1 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. આ બંને મુખ્ય પક્ષો વચ્ચેનો મતનો તફાવત 7.7 ટકા રહ્યો હતો. ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. અન્યના ખાતે 6 સીટ ગઈ હતી. ખૂબીની વાત એ છે કે ૨૦૧૨માં કોંગ્રેસને 38.9 ટકા મત મળ્યા હતા અને સીટ 61 મળી હતી. આમ અઢી ટકાના વધારાએ કોંગ્રેસની સીટમાં 16 સીટનો વધારો કર્યો હતો. ગુજરાતમાં કુલ મતદારો 4,90,89,765 છે અને બુથની 51,872 સંખ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં લડાઇ રહી છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ સારો એવો પ્રચાર કર્યો છે. ગુજરાતમાં ભૂતકાળમાં ત્રીજો મોરચો સફળ થયો નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ આ વખતે જે રીતે પ્રચાર તંત્ર ગોઠવ્યું છે તે રીતે અને માહોલ વચ્ચે તેને અવગણી શકાય તેમ નથી. મતદારો વચ્ચે અત્યારે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટી કોના મત તોડશે? કોંગ્રેસના કે ભાજપના? કેટલા ટકા તોડશે?
સંગઠનની દ્રષ્ટિએ ભાજપ નંબર વન છે અને કોંગ્રેસ બીજા નંબરે છે. આમ આદમી પાર્ટી હજી ગ્રામ્ય વિસ્તારમાં ઝાઝુ પ્રસરી શકી નથી. જોકે આમ આદમી પાર્ટી આટલી બધી પ્રસરી તેમાં કોંગ્રેસની જ કમજોરી કારણભૂત છે. આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાંથી વધારે મત તોડશે અને શહેરી મતવિસ્તારના ભાજપના મત તોડશે. આમ, એક મત મુજબ આમ આદમી પાર્ટી ભાજપને વધારે નુકસાન કરી શકે છે. પરંતુ ભાજપના નારાજ શહેરી મતદારો કોંગ્રેસમાં જવાના બદલે આપમાં જાય તો પરોક્ષ રીતે ભાજપને ફાયદો પણ થઇ શકે છે. ભાજપ વિરોધી મતો અત્યારે અવઢવમાં છે. કોંગ્રેસ કરતા આપનો પ્રચાર અત્યારે વધુ છે. ગુજરાતમાં કેજરીવાલ કેટલી વાર આવ્યા અને ખડગેના હજી દર્શન નથી થયા. ભાજપ વિરોધી મતો કોંગ્રેસ કે આપમાંથી કયો વિકલ્પ પસંદ કરે છે એ જોવું રહ્યું.
રાજકીય નિષ્ણાતો મુજબ આપ ગમે તેટલું જોર કરે તો ય કોંગ્રેસ જેટલા મત સુધી પહોંચી શકે તેમ નથી તથા સત્તા અને ખુરશી સુધી પહોંચવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા મત મેળવવા જોઈએ. જે ભાજપના છે તે ભાજપના જ રહેવાના અને કોંગ્રેસના છે તે કોંગ્રેસને જ મત આપવાના. જે તરતા મતો છે તે હંમેશા નમતા છાબડે બેસવા વાળા હોય છે. તે ઈચ્છતો હોય છે કે એ જેને મત આપે તે ઉમેદવાર જીતવો જોઈએ. અને એટલે જ આખરી દિવસોમાં ચૂંટણીનું ચિત્ર બદલતું હોય છે.
આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં છે પણ તેને મળનાર મતોની ટકાવારીને સીટોમાં બદલી શકશે? બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં 20 ટકા શેર મેળવીને ત્રીજી પાર્ટી હતી પરંતુ તે બેઠકોમાં શૂન્ય થઇ ગઇ હતી. ઘણી બેઠકોના સમીકરણ એવા હોય છે કે ત્યાં અપક્ષ ઉમેદવાર પણ જીતી શકે છે. ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પણ રસાકસી છે અને કોઈ એક પાર્ટી તરફથી ઝોક નથી. ત્યારે ચૂંટણી પરિણામ ચોંકાવનારૂ આવે તેનો પણ ઇન્કાર થઇ શકે તેમ નથી. આવનાર દિવસો ઉમેદવારો માટે બહુ જ મહત્વના રહેશે.