ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત
15 લાખની ઉઘરાણીએ બબાલ
યુવાનનું અપહરણ થયેલ-ભાઈએ પીછો કરી છોડાવેલ
ફોર વહીલરમાં ઉપાડી જવાયેલ છોકરીનો પોતાને લઇ જવા ફોન પણ આવ્યો
વાંકાનેર: વાંકાનેર તાલુકામાં હસનપરના ભરવાડ શખ્સને માર મારવાના બનાવે તાલુકાના ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે, બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે, અગાઉ લગ્ન થયેલ છોકરીને ત્યાં રહેવું ન હોઈ મૈત્રી કરારથી રૂપિયા 15 લાખ આપવાની શરતે હસનપરનો યુવાન લઇ આવ્યો હતો, ઉઘરાણી કરતા યુવાને છૂટાછેડા પહેલા થાય પછી આપવાનું જણાવેલ, યુવાનનું અપહરણ થયેલ, પરંતુ એમના ભાઈએ પીછો કરી છોડાવેલ, દવાખાનામાં સારવારમાં રહેલા યુવાન ઉપર છોકરીનો પોતાને લઇ જવા ફોન પણ આવેલ.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના હશનપર (શક્તિપરા), ધમલપર ચોકડી સામે વાડીમાં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા મનોજભાઈ હિરાભાઇ સરૈયા ભરવાડ (ઉ.વ.૨૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મારી પાસે આઇવા ડમ્પર રજી નં.GJ13AW0667 વાળુ છુટક ફેરામા ચલાવુ છું. મારી માતાનુ નામ કંકુબેન છે અને મારા પિતાજી ખેતીકામ કરે છે અને અમો ત્રણ ભાઈ અને એક બહેન છીએ જેમા સૌથી મોટી બહેન ગુડીબેન, નાનો ભાઇ મોમભાઈ છે અને તેનાથી નાનો હું છુ અને બધાથી નાનો બળદેવ છે. અમો એકય ભાઇબહેનના લગ્ન થયેલા નથી.
આજથી દોઢેક માસ પહેલા રાજકોટ મફતીયાપરા,આર.ટી.ઓ.ઓફીસ પાછળ રહેતા ભુપતભાઇ કરણાભાઇ બાંભવાની દિકરી નામે કિંજલ જેના લગ્ન અગાઉ રાજકોટ મુકામે રહેતા હિરાભાઇ વરૂની સાથે કરેલ હતા અને આ કિંજલબેનને તેનો પતિ દારૂ પી મારકુટ કરતો હોય જેથી તેની સાથે રહેવુ ન હોય જેથી આ ભુપતભાઇ બાંભવાએ તેની દિકરી કિંજલના લગ્ન માટે મારા માતા-પિતા સાથે વાતચીત થયા મુજબ રૂપીયા પંદર લાખ એક વર્ષમા આપવાનુ નક્કી કરેલ, બાદ આ ભુપતભાઈ બાંભવા સાથે વાતચીત થતા કિંજલને જારીયા તા.જી.રાજકોટ ખાતેથી લઇ આવવા જણાવેલ, જેથી હું, મારા માતા-પિતા તથા મારા મોટાભાઇ બધા જારીયા કિંજલના બહેનના ઘરે લેવા માટે ગયેલ અને ત્યાથી લાવી કિંજલને અમારા ઘરે રાખેલ હતી અને બે ત્રણ દિવસ પછી અમોએ રાજકોટ મુકામે મૈત્રી કરાર કરાવેલ હતો અને આ કિંજલના છુટા છેડા થઇ જાય પછી લગ્ન કરવાની વાતચીત કરેલ ત્યારબાદ પંદર સોળ દિવસ પછી આ ભુપતભાઈ બાંભવા અને તેના પરીવારના સભ્યો અમારી ઘરે આવેલ અને અમારી સાથે બોલાચાલી કરી પૈસા આપવા માટે કહેલ પરંતુ અમારી પાસે પૈસાની સગવડ ન હોય જેથી એક મહિના પછી રૂપીયા પંદર લાખ આપવાની વાતચીત થયેલ અને આ લોકો અવારનવાર ફોનમા પૈસા આપવાની વાત કરતા હોય જેથી અમોએ કહેલ કે તમો પહેલા છૂટાછેડા કરાવો એટલે અમો પૈસા આપી દઇશુ અને અમારે ફોનમા વાતચીત થયા મુજબ આજરોજ (તા: 24) સવારના ભુપતભાઇ બાંભવાને પૈસા આપવાના હતા અને અમો ગઇ કાલ તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ ધમલપર મુકામે આવેલ વાડીએ રાત્રીના વારૂ પાણી કરીને સુતા હતા, મારો ભાઇ મોમભાઈ વાડીમા કામ કરતો હતો ત્યારે આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૫ ના રાત્રીના સાડા બારેક વાગ્યે અમારા ઘરની બહાર ઝઘડો થતો હોય તેવો અવાજ આવતા હુ જાગીને બહાર આવેલ અને જોયેલ તો
ગોપાલભાઇ ભુપતભાઇ બાંભવા તથા વિજયભાઈ ભુપતભાઈ બાંભવા રહે. બંને રાજકોટ વાળા તથા જગાભાઈ કાટોળીયા રહે. ઉંચી માંડલ વાળો તથા બીજા અજાણ્યા માણસો હતા અને બોલાચાલી ઝઘડો કરતા હતા અને જગાભાઈએ કુહાડીથી મારા માતા કંકુબેનને મોઢા ઉપર તથા માથામાં ઘા મારતા લોહી નિકળવા લાગતા તે નિચે પડી ગયેલ અને ગોપાલભાઈએ પાઈપથી બંને પગ ઉપર આડેધડ માર મારેલ અને મારા પિતાજીને ગોપાલભાઇ લોખંડના પાઈપથી તથા બીજા માણસોએ લાકડી ધોકાથી શરીરે આડેધડ માર મારેલ અને હુ વચ્ચે પડતા મને પણ આ લોકોએ લાકડી ધોકાથી માર મારેલ અને અમો નીચે પડી જતા મને તથા મારી પત્નિ કિંજલને બળજબરીથી તેની સાથે લઇ ગયેલ અને આ લોકો રોડ ઉપર બે ફોરવ્હીલ કાર તથા ત્રણ સી.એન.જી.રીક્ષા લઇ આવેલ હતા જેમાં મને રીક્ષામા બેસાડેલ અને મારી પત્નિ કિંજલને ફોર વ્હીલ કારમાં બેસાડી રવાના થતા હતા ત્યારે મારા મોટા ભાઈ મોમભાઇને જાણ થતા તે તેની બોલેરો પીકઅપ લઇ પાછળ આવેલ અને મને જે રીક્ષામા બેસાડેલ તે રીક્ષા સાથે બોલેરો પીકઅપ અથડાતા રીક્ષા ઉધીં પડી જતા આ લોકો મને રીક્ષા સાથે મુકીને ભાગી ગયેલ અને આ લોકો મારી પત્નિ કિંજલને તેની સાથે બળજબરીથી લઇ ગયેલ બાદ મારા મોટા ભાઈ મને બોલેરોમાં બેસાડી અમારી વાડીએ લઇ ગયેલ અને મારા માતા પિતાને વધારે ઇજા હોય લોહી નિકળતુ હોય કાંઇ બોલતા ચાલતા ન હતા અને આજુબાજુ વાડીમા રહેતા માણસો પણ આવી ગયેલ અને ૧૦૮ માં વાંકાનેર સારકારી દવાખાને અને મને ડાયાભાઈ સરૈયાની ફોર વ્હીલ કારમા સારવારમા લાવેલ હતા અને વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે સારવારમા લઇ ગયેલ અને મારા માતા કંકુબેનને વધારે ગંભીર ઇજાઓ હોય જેથી એમ્બુલન્સમાં અમદાવાદ સરકારી દવાખાને સારવારમા લઇ ગયેલ છે અને આજરોજ મારી પત્નિ કિંજલનો મારા ફોનમા ફોન આવતા હું રાજકોટ છું મને લઈ જાવ, પણ હું સારવારમાં હોઈ જઈ શકેલ નહીં, હાલે આ બનાવ બાબતે હું મારા ભત્રીજા વિશાલ સેલાભાઈ સરેયા તથા ભરત મુનાભાઈ સરૈયા રહે. બંને જેતપરડા તા.વાંકાનેર વાળા સાથે ફરીયાદ નોંધાવવા માટે આવેલ છું તો આ તમામ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે…