લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે







આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત ગરમી પડવાના કારણે સૌથી વધુ પાકને અસર થઈ રહી છે. શિયાળુ પાકોના ઉત્પાદન માટે નુકશાન થઈ રહ્યું છે. ખાસ કરીને પાછોતરા વાવેતરને અસર થશે.
હવામાનની આગાહી અનુસાર ગરમી આ વર્ષે વહેલી છે. ગત વર્ષે માર્ચ મહિનામાં જેટલુ તાપમાન હતું તેટલું આ વર્ષે ફેબ્રુઆરીનો છે. આગામી ખરીફ પાકમાં કવોલિટી અને ઉત્પાદન પર અસર થઈ શકે છે. મધ્ય અને ઉતર ભારતના રાજયોમાં હજુ 15 દિવસ તાપમાન સામાન્યથી ઉંચુ રહેશે અને ઘઉંના પાકને મુશ્કેલી નડી શકે છે. ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાન સામાન્યથી વધારે છે. તેનાથી પાકને મોટી અસર થશે. ઘઉં સહિતના અનેક પાકોના ઉત્પાદનમાં 15થી20 ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. ફેબ્રુઆરીના અંતમાં તાપમાન હજુ ઉંચકાશે.
ગુજરાત અને રાજસ્થાનના ગરમીના પારાએ છેલ્લા 50 વર્ષથી લઈ 80 વર્ષ સુધીને ફેબ્રુઆરી મહીનાના તાપમાનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો કેટલાક શહેરોમાં 40 ડીગ્રીએ અત્યારથી જ પહોંચી ગયો છે. હવામાનની આગાહી અનુસાર ફેબ્રુઆરીના સામાન્ય તાપમાનની તુલનાએ ચારથી પાંચ ડીગ્રી તાપમાન વધારે જોવા મળી રહ્યું છે. આગામી માર્ચ મહિનામાં હજુ તાપમાન વધશે. લા-નીનો અને અલ-નીનોની અસરને કારણે તાપમાન અસામાન્ય જોવા મળી રહ્યું છે અને તેની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે. ઘઉંના પાક સાથે મસાલા-તેલીબીયા પાકોને પણ અસર થશે.