સમઢીયાળામાં 12 ઇંચ વરસાદ: મેળો જામવાની કોઈ શક્યતા લગતી નથી
વાંકાનેર: સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી 6 દિવસ મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે વાંકાનેરમાં આવતું આખું સપ્તાહ વરસાદી માહોલ રહે તેવી શકયતા છે. જો આમ થશે તો વરસાદ ઝંખતા લોકો વરસાદ બંધ થાય તેની રાહ જોશે. ઘરમાં રહીને કંટાળી જશે, વેપાર- રોજગાર પર અસર થશે…
આજે જન્માષ્ટમીના મેળો જામવાની કોઈ શક્યતા લગતી નથી, આથી મેળો મ્હાલવાના ઓરતા સેવનારા નિરાશ થશે. મેળાના આયોજકો અને પાંચ પૈસા રળવાની ઈચ્છા રાખનારા પણ હાલ નિરાશ છે. મચ્છુ નદી અને પતાળીયા વોંકળામાં આવેલા નીર જોવા માણસો નીકળી રહ્યા છે. વાંકાનેર તાલુકાના મહીકા ગામે બાદી બસીરુદીન અલીભાઈના ફળિયામાં રહેલા ઝાડ પર વીજળી પડતા નીચે બાંધેલી ભેંસનું મોત થયાના, ચંદ્રપુર ગામે કબ્રસ્તાનની દીવાલ પડી ગયાના, અને ચંદ્રપુરના જ આલ ભરતભાઈ જીવણભાઈની ભેંસ પાણીમાં ડૂબી ગયાના, માર્કેટિંગ યાર્ડની દીવાલ પડી ગયાના, સિપાઈ જિન અને સહારા ઈન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાતા નુકશાન થયાના, કેરાળામાં 10 અને સમઢીયાળામાં 12 ઇંચ વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે.