કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવેલ પીટીશનને કોર્ટે મંજૂર કરી

વાંકાનેર: તાજેતરમાં જ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં ફેરફાર કરી ચુંટણી જાહેર કરી હતી, જેની સામે કોંગ્રેસના આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે જુના સીમાંકન મુજબ ચૂંટણી કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે ફરી નવો વળાંક આવ્યો છે, જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સંઘની ચૂંટણી બાબતે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવેલ પીટીશનને કોર્ટે મંજૂર કરી નાયબ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નવાં સીમાંકન અને અત્યાર સુધી કરવામાં આવેલ નવા સીમાંકન મુજબની ચુંટણી પ્રક્રિયાને રદ કરી પુનઃ જુના સીમાંકન મુજબ ચાર અઠવાડિયામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે…

બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વાંકાનેર નાયબ કલેકટર દ્વારા તા. ૧૯/૦૧/૨૩ ના રોજ કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરી તેની સામે વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા જે બાદ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં આવેલ વાંધાઓને માન્ય રાખી તા. ૦૬/૦૨/૨૩ ના રોજ ચૂંટણી માટે નવું સીમાંકન પ્રસિદ્ધ કરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,

જેની સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પિટિશન કરવામાં આવેલ જે અનુસંધાને આજરોજ કોર્ટ દ્વારા આ પિટિશનને મંજૂર કરી નાયબ કલેકટર દ્વારા સત્તા બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલ નવા સીમાંકનને ગેરકાયદેસર ઠેરવી તેને રદ કરી, પુનઃ તા. ૧૯/૦૧/૨૩ મુજબના જૂના સીમાંકન અનુસાર ચાર અઠવાડિયામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ કરવામાં આવ્યો છે.