મહિકા પાસેથી રસિકગઢ બાવળની ઝાડીમાં મફલરથી હાથ-પગ બાંધી લઇ ગયા
રાજકોટ: વાંકાનેરના હોલમઢ ગામે રહેતાં અવચરભાઇ વશરામભાઇ સારલા (ઉ.વ.૬૦) નામના બાંધકામ કોન્ટ્રાક્ટર વૃધ્ધ ગત સાંજે સાઇટ જોવા નીકળ્યા ત્યારે નજીકના મહિકા પાસે બોખો દેવીપૂજક ઉભો હોઇ તેણે તું અહિ શું કામ આવ્યો? કહી ઝઘડો કરી ગાળો દઇ બીજા ત્રણ શખ્સોને બોલાવી વૃધ્ધના તેના જ મફલરથી હાથ-પગ બાંધી દઇ રિક્ષામાં નાંખી અપહરણ કરી ઝાડીમાં લઇ જઇ પથ્થર-બેલાના ઘા ફટકારી એક પગ ભાંગી નાંખતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે…અવચરભાઇએ જણાવ્યું હતું કે હું બાંધકામ કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે. અમે ચાર ભાઇઓ અને ત્રણ બહેનો છીએ, જેમાં હું મોટો છું. ગત સાંજે ચારેક વાગ્યે મારે મહિકા નજીક કામ ચાલુ કરવાનું હોઇ પગપાળા સાઇટ જોવા ગયો હતો. આ વખતે અહિ બોખો નામનો દેવીપૂજક શખ્સ બેઠો હોઇ તેની પાસેથી નીકળતાં તેણે મને-તું અહિ શું કામ આવ્યો? કહી ગાળો દઇ ઝઘડો કર્યો હતો. તેને ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાયો હતો અને ઢીકાપાટુ મારી લીધા હતાં…
બાદમાં તેણે ફોન કરતાં બીજા ત્રણ શખ્સો રિક્ષામાં આવ્યા હતાં. આ પછી ચારેયએ મળી મારા જ મફલરથી મારા હાથ-પગ બાંધી દઇ રિક્ષામાં નાખી દીધો હતો અને આગળ રસિકગઢના રસ્તે બાવળની ઝાડીમાં લઇ જઇ ત્યાં પણ ફરીથી માર માર્યો હતો અને ડાબા પગે બેલાના ઘા ફટકારી પગ ભાંગી નાંખ્યો હતો. જતાં જતાં આ બધા મફલરની ગાંઠો છોડી મને બંધનમુક્ત કરતાં ગયા હતાં અને મારી પાસેથી મોબાઇલ ફોન તથા પાંચેક હજારની રોકડ પડાવી ગયા હતાં…
આ પછી હું માંડ માંડ ઢસડાતો ઢસડાતો રોડ પર પહોંચ્યો હતો ત્યારે રાહદારીઓ નીકળતાં મને મદદ કરી હતી. કોઇએ ફોન આપતાં મેં સગાને વાત કરી હતી અને બાદમાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. તેમ વધુમાં અવચરભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તૌફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાંતપાસ શરૂ થઇ છે…