કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મોમીન સમાજની અટકો કઈ રીતે પડી હશે?

મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે

બાદી, શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે
વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ પણ છે

અટકો સામાન્યતઃ જે તે વ્યક્તિની ખાસિયત, ધંધો, ગામનું નામ વગેરે પરથી પડતી હોય છે, આશ્ચ્રર્યજનક રીતે વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ પણ છે અને અન્ય સમાજની અટકો પણ સમાજમાં છે. વાંકાનેર વિસ્તારના 50 ગામોમાં વસતા મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે. (૧) આંબલીયા (ર) બાદી (૩) બાકરોલિયા (૪) બરીયા (૫) બાવરા (૬) ભાલારા (૭) ભોરણીયા (૮) ચારોલિયા (૯) ચોધરી (૧૦) દેકાવાડિયા (૧૧) ગઢવારા (૧૨) કડીવાર (૧૩) ખોરજીયા (૧૪) માણસીયા (૧૫) મરડીયા (૧૬) મારવીયા (૧૭) માથકીયા (૧૮) મેસાણીયા (૧૯) પરાસરા (૨૦) પટેલ (૨૧) પિંડાર (૨૨) શેખ (૨૩) શેરસીયા (૨૪) સિપાઇ (૨૫) વડાવીયા (૨૬) વકાલીયા. જેમાંથી અટક પાછળ “યા” આવતું હોય તેવી 15 અટક છે
ઉપરોકત અટકમાં બાદીના બે પાંખીયા છે. (૧) વડ બાદી (ર) ખડ બાદી. વડ બાદી મોટું કુટુંબ છે, મહિકા, પાંચદ્રારકા, સમઢીયાળા, અમરાપર, ટોળ, કોઠી, કણકોટ, ખેરવા, ગારીડા, પંચાસીયા, વઘાસીયા, કોઠારીયા…વગેરે માં વડ બાદી જ્યારે રાતીદેવરી, કેરાળા, અરણીટીંબા, નવી કલાવડી …વગેરે માં ખડ બાદી વસે છે.
કડીવારમાં પણ બે પાંખીયા છે. (૧) મોટા કડીવાર (ર) નાના કડીવાર. પીપળીયારાજ, વાલાસણ, અરણીટીંબા, પ્રતાપગઢમાં મોટા કડીવાર જયારે નાના કડીવાર ભોજપરા અને રાતીદેવરીમાં વસે છે. મોટા કડીવાર તીથવા દાદીમાંને માને છે, જ્યારે નાના કડીવાર માનતા નથી.
શેરસીયામાં પણ બે પાંખીયા છે. નરેદાવાળા (અથવા મલીદાવાળા અથવા લાડવાવાળા) અને મોટા (અથવા લાંબા) શેરસીયા. નારેદાવાળા તીથવા…વગેરેમાં અને મોટા સીંધાવદર…વગેરેમાં વસે છે. લોકવાયકા છે કે નારેદાવાળા શેરસીયામાં વડવાઓમાં ઔલાદ નહોતી થતી, ત્યારે માનતા રાખેલી અને ત્યારથી મલીદો અથવા લાડવા કરવાની પરંપરા ચાલી આવે છે.
આમ તો ગઢવારા અને ભાલારા પણ મૂળ તો શેરસીયાનું જ પાંખીયું ગણાય છે. જો કે અમુક ગઢવારા શેરસીયામાં આવતા નથી: (અહમદભાઈ માસ્તર- તીથવા)   
જે કુટુંબમાં રાજાશાહી વખતની પટલાઈ હતી, તેના વારસદારોમાં પટેલ અટક છે, જે શેરસીયામાં, ખોરજીયામાં અને કડીવારમાં પણ છે. પટેલ અટક રેવન્યુ અટક છે, સામાજિક અટક નથી. અમુક મોમીન અટક પણ લખાવે છે, જો કે તે સમાજની ઓળખ છે. અગાઉ ડોડીયા અને ચીભડીયા અટક પણ મોમીન સમાજમાં હતી, ડોડીયા અટક છેલ્લે સણોસરામાં અને ચીભડીયા અટક ખીજડિયામાં લુપ્ત થઇ છે. ચીભડા બહુ વાવતા હોવાથી ચીભડીયા અટક લખાતી જે મૂળ તો શેરસીયા જ હતા. બીજા સમાજમાં ભોરણીયા, ચારોલિયા, ચોધરી, દેકાવાડિયા, કડીવાર, માથકીયા, પટેલ, શેરસીયા અને સિપાઇ અટકો પણ છે

વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ

(૧) આંબલીયા કહેવાય છે કે ફળિયામાં આંબલીનું ઝાડ હોવાથી અટક પડી છે, ઉપરાંત આંબલીયારા (તા: કડી) આંબલીયાસણ (તા: પાટણ) નામથી ગામો પણ છે 
(ર) બાદી કહેવાય છે કે પહેલા વડ બાદીનું પાંખિયું આવેલું, પોતાનું ગામ છોડતા પહેલા એમના ભત્રીજાને સાથે આવવા બહુ આગ્રહ કરેલો પણ માન્યા નહોતા, પાછળથી આવેલા તે ખડ બાદી કહેવાયા. ઉપરાંત બાદપુરા (તા:માણસા) બાદીપુર (તા: પાટણ) બાદરપુર (તા:વડનગર) બાદપુર (તા: દહેગામ) નામથી ગામો પણ છે
(૩) બાકરોલિયા અમદાવાદ પાસે બાકરોલ (તા: દસ્ક્રોઈ) નામથી ગામ પણ છે
(૪) બરીયા કહેવાય છે કે તેમના વડવા બહુ બળિયા (જોરૂકા) હતા, હળથી ઢેફા ભાંગતા ઉપરાંત બારીયા (તા: દહેગામ) નામથી ગામ પણ છે 
(૫) બાવરા કોઈ માહિતી નથી
(૬) ભાલારા મૂળ તો શેરસીયાનું પાંખીયું છે, એમના વડવા ભાલો રાખતા એટલે ભાલારા અટક પડી હશે 
(૭) ભોરણીયા અન્ય સમાજમાં પણ આ અટક છે. ઉપરાંત ભોરણીપુરા (તા: દેત્રોજ) નામથી ગામ પણ છે
(૮) ચારોલિયા અન્ય સમાજમાં પણ આ અટક છે. ઉપરાંત ચારોલ (તા: કડી) નામથી ગામ પણ છે
(૯) ચોધરી અન્ય સમાજમાં પણ આ અટક છે. ગામનો મુખી (આગેવાન) હોય તેમના માટે આ શબ્દ વપરાય છે 
(૧૦) દેકાવાડિયા અન્ય સમાજમાં દેકીવાડીયા અટક છે ઉપરાંત ડગવાડીયા (તા: વિજાપુર) નામથી ગામ પણ છે
(૧૧) ગઢવારા એમના વડવા ગઢ પાસે રહેતા હશે એથી આ અટક પડી હશે
(૧૨) કડીવાર અન્ય સમાજમાં પણ આ અટક છે. ઉપરાંત કડી શહેર અને કડીપુરા (તા:ધોળકા) નામથી ગામ પણ છે
(૧૩) ખોરજીયા ખોરેજ (તા: ગાંધીનગર) ખોરજ (તા: કલોલ) નામથી ગામો પણ છે
(૧૪) માણસીયા માણસા શહેર (તાલુકો) છે 
(૧૫) મરડીયા કોઈ માહિતી નથી
(૧૬) મારવીયા અન્ય સમાજમાં ભળતી અટક માલવિયા છે
(૧૭) માથકીયા અન્ય સમાજમાં પણ આ અટક છે. ઉપરાંત માથક (તા: હળવદ) નામથી ગામ પણ છે 
(૧૮) મેસાણીયા મહેસાણાને પહેલા મેસાણા કહેવાતું
(૧૯) પરાસરા ભળતી અટક પરાસર છે ઉપરાંત પારસા (તા:માણસા) નામથી ગામ પણ છે
(૨૦) પટેલ રેવન્યુ અટક છે, સામાજિક અટક નથી
(૨૧) પિંડાર કહેવાય છે કે એમના વડવાઓ દૂઝણા બહુ રાખતા અને માખણના પિંડા વખણાતા ઉપરાંત પીંઢારા (તા: ગાંધીનગર) નામથી ગામ પણ છે
(૨૨) શેખ અન્ય મુસ્લિમ સમાજમાં પણ આ અટક છે. અગાઉ મુસ્લિમ બાદશાહો શરિયતના જાણકારને શેખ તરીકે નીમતા 
(૨૩) શેરસીયા અન્ય સમાજમાં પણ છે, સમાજમાં સૌથી વધુ ઘર ધરાવતી અટક ઉપરાંત શેરીસા (તા: કલોલ) નામથી ગામ પણ છે
(૨૪) સિપાઇ લશ્કરના સૈનિકને સિપાઈ કહે છે, એમના વડવાઓ લશ્કરમાં હશે
(૨૫) વડાવીયા શહેર/ તાલુકાનું નામ વડનગર છે
(૨૬) વકાલીયા કોઈ માહિતી નથી

આપણા વડવાઓમાં ભણતર નહોતું, આથી લેખિત કોઈ વિગત મળતી નથી, આમ છતાં વાંચક પાસે વધુ વિગત હોય અથવા કોઈ ત્રુટિ હોય તો જણાવશો, આ લેખ માત્ર અનુમાન છે, હકીકત હોવાનો અમારો કોઈ દાવો નથી

ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે – નઝરૂદીન બાદી.

Content Copying Forbidden !!

error: Content is protected !!