આવક્વેરા વિભાગ રોકડનો સ્રોત પૂછે- સાચા દસ્તાવેજો બનાવી શક્યા નથી તો દંડ થઈ શકે છે
વર્ષોથી ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા લોકોમાં ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે, પરંતુ આજે પણ લોકો કોઇ પણ આકસ્મિક પરિસ્થિતિ માટે ઘરે પૈસા રાખવાને વધુ મહત્વ આપે છે. ઘરમાં કેટલા પૈસા રાખી શકાય તેની કોઇ મર્યાદા છે?
શું તમારે ચોક્કસ રકમ પછી ઘરમાં પડેલી રોકડ વિશે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે? તમે ઇચ્છો તેટલી રોકડ ઘરે રાખી શકો છો અને તેની માહિતી કોઈપણ સત્તાધિકારીને આપવાની કોઈ કાનૂની ફરજ નથી. જો કે, તમારી પાસે જે પણ રોકડ રાખવામાં આવી છે, તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઇએ. એટલે કે તમને તે પૈસા ક્યાંથી મળ્યા; તમારે તેની સાથે સંબંધિત દસ્તાવેજો રાખવા પડશે. જો કોઈના ઘરમાં મોટી માત્રામાં રોકડ હોય અને આવક્વેરા વિભાગ તે ઘરમાં દરોડા પાડે તો અધિકારીઓ આ દસ્તાવેજોની માગણી કરશે.
જો તમારા ઘરમાં રાખેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ ચૂકવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પાસે સ્રોતો અને ટેક્સ ભરેલા તમામ દસ્તાવેજો નથી, તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો આવું થાય તો માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ ED અને CBI પણ તમારી પૂછપરછ કરી શકે છે. જો કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો છે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
જો તમને આવક્વેરા વિભાગના દરોડામાં રોકડનો સ્રોત પૂછવામાં આવ્યો હોય અને તમે સાચા દસ્તાવેજો બનાવી શક્યા નથી અથવા દસ્તાવેજોમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, તો તમને દંડ થઈ શકે છે. આ દંડ ઘણો ભારે હશે. આવકવેરા કાયદા અનુસાર, તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે તમારી પાસે જે રોકડ છે તે ચોક્કસપણે જશે તેના ઉપર તમારે 37 ટકા વધુ ચૂકવવા પડશે.