ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો
ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન
સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર સરપંચ ઘણું કરી શકે છે. નીચે સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે ટૂંકમાં માહિતી આપેલ છે.
(૧) ૧૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટ: તાલુકા આયોજન મંડળ હેઠળ સમાવેશ
(૨) ૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટ: તાલુકા આયોજન મંડળ હેઠળ સમાવેશ (પછાત વિસ્તાર માટે ૧૦ ટકા અને અન્ય વિસ્તાર માટે ૨૫ ટકા લોકફાળો ભરવો આવશ્યક છે.)
(૩) ખાસ પછાત વિકાસ યોજના: તાલુકા આયોજન મંડળ હેઠળ સમાવેશ
(૪) ૧૫ ટકા વિવેકાધિન જીલ્લા કક્ષા: જીલ્લા આયોજન અધિકારી દ્વારા મંજૂર
(૫) ૫ ટકા પ્રોત્સાહક જીલ્લા કક્ષા: જીલ્લા આયોજન અધિકારી દ્વારા સૂચન (પછાત વિસ્તાર માટે ૧૦ ટકા અને અન્ય વિસ્તાર માટે ૨૫ ટકા લોકફાળો ભરવો આવશ્યક છે.)
(૬) ધારાસભ્યશ્રી ગ્રાન્ટ: ધારાસભ્યશ્રી દ્વારા સૂચન (ર કરોડ જેટલા મળે છે)
(૭) સંસદસભ્યશ્રી ગ્રાન્ટ: સંસદ સભ્યશ્રી દ્વારા સૂચન (૭ કરોડ જેટલા મળે છે)
(૮) એ.ટી.વી.ટી. ગ્રાન્ટ: પ્રાંત કચેરી દ્વારા સૂચિત એ.ટી.વી.ટી. આયોજન હેઠળ સમાવેશ
(૯) જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટ: જીલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા સૂચન
(૧૦) ૧પ મું નાણા પંચ ગ્રાન્ટ: વસ્તીના ધોરણે સરકાર ફાળવે છે. તે ગ્રામ પંચાયત દ્વારા કામનું (ગ્રામ્ય કક્ષા) આયોજન ગ્રાન્ટ મુજબ થાય છે.
(૧૧) માળખાકિય સુવિધા ગ્રાન્ટ: સો ચોરસ વાર પછાત વિસ્તારમાં કાર્યો લેવામાં આવે છે. ગ્રામ પંચાયતની માંગણી મુજબ તાલુકા વિકાસ અધિકારી- જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મંજુર કરવામાં આવે છે.
(૧ર) પંચવટી ગ્રાન્ટ: બાલ ક્રિડાગણ તથા બગીચાના કામ માટે ગ્રામ પંચાયત દ્વારા ૫ હજાર લોકફાળો ભરવામાં આવે તો ૧૦ હજાર સરકાર ગ્રાન્ટ આપે છે. કુલ ૧૫ હજારનું કામ મંજુર થાય છે.
(૧૩) જીલ્લા વહીવટી તંત્ર ગ્રાન્ટ: કલેકટરશ્રીને દરખાસ્ત કરવાની હોય છે. જે જીલ્લા આયોજન અધિકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવે છે. (ગ્રામ પંચાયતને 5 લાખ સુધીના કામો વગર ટેન્ડરે અપાય છે).
(૧૪) મનરેગા: આઇઆરડી મારફતની આ યોજનામાં રસ્તા, તળાવડાનાં કામો કરી શકાય છે. ગ્રાન્ટની મર્યાદા નથી, પરંતુ કામની રકમમાં 40 ટકા કામો જ યંત્રોથી કરી શકાય છે. 60 ટકા કામમાં મજુર દ્વારા કરવાના હોવાથી 40:60 નો રેશિયો જાળવવો અઘરો હોઈ અને ગામમાં સરપંચના વિરોધી અરજી કરે તો મુશ્કેલી થતી હોઈ વાંકાનેર તાલુકામાં આ ગ્રાન્ટનો વધુ ઉપયોગ થતો નથી.
(૧પ) સ્વચ્છ ભારત મિશન: આ યોજના હેઠળ ગામમાં સોર્સ ખાડા, બાથરૂમ, સંડાસ જેવા કામો કરી શકાય છે.
(૧૬) વાસ્મો: કેન્દ્ર સરકારની આ યોજનામાં પાણી અંગેના કામો જેવા કે પાણીની ટાંકી, પાઇપ લાઈન, બોર, અવેડા વગેરે કામો કરી શકાય છે, પણ 25 ટકા લોકફાળો ભરવો ફરજીયાત છે. માનો કે એક કરોડનું કામ હોય તો 25 લાખ પંચાયતે ભરવાના હોય છે. સંચાલન પાણી પુરવઠા બોર્ડ મારફત થાય છે.
(૧૭) પ્રધાનમંત્રી આવાસ યોજના: આ યોજના હેઠળ બીપીએલમાં નામ હોય અને થયેલ આર્થિક સર્વેક્ષણમાં નામ હોય તેને મફત પ્લોટ અને એકલાખ પચ્ચાસ હજાર જેટલી રકમ અપાય છે, પરંતુ સરકાર તાલુકા દીઠ મર્યાદામાં ગ્રાન્ટ ફાળવણી કરતી હોઈ લક્ષાંક મુજબ જ ફાળવણી થતી હોય છે.
(૧૮) તાલુકા પંચાયત સ્વભંડોળ: જે તે તાલુકાની તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમ ગ્રામ પંચાયતને ફાળવે છે.
(૧૯) ગ્રામ પંચાયત સ્વભંડોળ: વધુ આવકવાળી ગ્રામ પંચાયતોમાં પોતાનું સ્વભંડોળ હોય છે, જે ગામના જરૂરી વિકાસકામોમાં વાપરી શકાય છે. જો કે વાંકાનેર તાલુકામાં આવી સદ્ધરતા ચાર- પાંચ પંચાયતો પાસે જ છે.