એક જુથના છ અને બીજા જૂથના આઠ આરોપીઓ
લાકડીઓ, પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી ગયા હતા
વાંકાનેર: અહીંની ભાટીયા સોસાયટીમાં ગઈ મોડી રાત્રે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ હતી. લાકડીઓ, પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી ગયા હતા, જેમાં એક જુથના ચાર લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ સ્થળ પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ આ બનાવમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે…..
મળેલ જાણકારી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા ફરીયાદી સંજયભાઈ રાણાભાઈ ખાંડેખાએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, ૨). કિશોરસિંહ ઝાલા, ૩). રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, ૪). પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા (રહે. બધા ભાટીયા સોસાયટી), ૫). શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને ૬). મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. વઘાસીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપી હરપાલસિંહને અગાઉ સાત-આઠ મહિના પહેલાં વાહન લે-વેચના પૈસા બાબતે મારામારી થયેલ હતી, જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ સ્વિફ્ટ કાર તથા બોલેરો ગાડીમાં ભાટીયા સોસાયટીના ચોકમાં આવી બેફામ ગાળાગાળી કરી છરી વડે હુમલો કરી સાહેદ હરેશભાઇને ઇજા કરી તેમજ સ્વિફ્ટ કાર ચલાવી સાહેદોને મારી નાખવાના ઇરાદે ટલ્લો મારી ઈજાઓ પહોંચતાં ચાર લોકોને ઇજાઓ પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,
આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. વઘાસીયા)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). સંજયભાઇ રાણાભાઈ ખાંડેખા, ૨). બળદેવભાઇ રાણાભાઈ ખાંડેખા, ૩). હરેશભાઇ રાણાભાઈ ખાંડેખા, ૪). અંકુર રાજગોર, ૫). શીવાજી રાજગોર, ૬). રોહિત ખેંગારભાઇ રાજગોર, ૭). રમેશ ધિરૂભાઇ રાજગોર, ૮). રાહુલ રાજગોર (રહે. બધા ભાટીયા સોસાયટી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના કાકાના દિકરા હરપાલસિંહને અગાઉ આરોપી સાથે માથાકુટ થયેલ હતી, જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની સ્વિફ્ટ કાર પર હુમલો કરી આગળ-પાછળના બંન્ને કાચ ઉપર ધોકા તથા પાઇપ વડે આડેધડ ઘા કરી ગાળો આપી હુમલો કર્યો હતો, જેથી હાલ આ મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..…
