નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલની SPને રજૂઆત
જડેશ્વર રોડ પરની સ્કૂલ સામે દારૂના વેપાર થતો હોવાની વાતે ખળભળાટ
વાંકાનેર: જડેશ્વર રોડ પર ખાનગી શાળા સામે 2 વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવી પડી, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા.
જડેશ્વર રોડ પર આવેલી શાળાની સામે ચાલતા દેશી દારૂના હાટડાથી કંટાળી શાળા દ્વારા સ્થાનિક પોલીસ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરી છે જેને કારણે કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં પોલીસ વામણી પુરવાર થઇ હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાની દેવી સરસ્વતીના મંદિર સામે જ 2 વર્ષથી દેશી દારૂનો વેપલો ચાલતો હોય છતાં પોલીસના ધ્યાનમાં આવે નહિ તે વાત શાળા, વાલીઓ સહિત શહેરીજનોના મગજમાં ઉતરતી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રિન્સીપાલ દ્વારા દેશી દારૂનાં હાટડા બંધ કરવા રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
વાંકાનેરની મિશનરી સ્કુલના પ્રિન્સીપાલે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી કે બે વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અમારી શાળા સામે દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે જે બાબતે હાટડા સંચાલકોને આ પ્રવૃત્તિઓ બંધ કરાવવા જણાવ્યા બાદ પણ આ હાટડા શરૂ રહ્યા છે. આ બાબતે શાળા દ્વારા વાલી મિટિંગ બોલાવી, શાળા સામે ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને વાલીઓને સાવચેત રહેવા જણાવ્યું હતું.