તાત્કાલિક ધોરણે ખૂટતી દવા, ઇન્જેક્શન તેમજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી હેરાન થતા દર્દીઓની લાગણી
વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. ઘણી વખત ત્યાં પૂરતા પ્રમાણમાં સારવાર માટે દવા ન હોવાથી દર્દીઓને હેરાન થવું પડતું હોય છે, ત્યારે હાલમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઈંજેકશન ન હોવાથી ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ત્યાં સારવાર ન મળવાના કારણે ખાનગી હોસ્પિટલના ડામ સહન કરવા પડી રહ્યા છે.
વાંકાનેર અને આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકો તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આવતા હોય છે. ત્યાં દવાના અભાવે અથવા તો સુવિધાના અભાવે ઘણી વખત દર્દીઓને રાજકોટ સુધી રીફર કરવામાં આવતા હોય છે અને જે દર્દીઓ રાજકોટ ન જાય તો તેને ખાનગીમાં ડામ સહન કરવા પડતા હોય છે.
હાલમાં સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા દિવસોથી ધનુરના ઇન્જેક્શન ન હોવાથી જે દર્દીઓને ધનુરના ઇન્જેક્શન લેવા પડે તેવી પરિસ્થિતિ હોય તેમને ખાનગીમાં ડામ સહન કરવા માટે જવું પડતું હોય છે, ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે જી.એમ.એસ.સી.એલ. મારફતે ધનુરના ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હોવાથી હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઇન્જેક્શન નથી; જેથી દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરીયાત હોય તો ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ધનુરના ઇન્જેક્શન લેવા માટે જવું પડતું હોય છે, ત્યારે તાત્કાલિક ધોરણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખૂટતી દવા, ખૂટતા ઇન્જેક્શન તેમજ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી છે.