વારંવાર વીજકાપથી લોકો પરેશાન
વાંકાનેર: અહીં ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે એક બાજુ 45 ડિગ્રી જેટલી ગરમીથી લોકો ઘરની અંદર કે ઘરની બહાર પણ
રહી શકતા નથી ત્યારે વારંવાર મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરવા છતાં પણ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ત્રણથી ચાર વખત વીજકાપ
કરવામાં આવતો હોય છે. અગાઉના વર્ષોમાં મુશળધાર વરસાદમાં પણ લાઈટ જતી નહોતી, જયારે હવે તો જરાક અમથા છાંટા પડે કે પવનની લહેરખી આવે કે
લાઈટ જતી રહે છે. જાડી ચામડીના અધિકારીઓને જાણે વાંકાનેરની કે વાંકાનેરવાસીઓઓની કશી ચિંતા જ ના હોય તેવી રીતે વાંકાનેરમાં પીજીવીસીએલ તંત્ર
કામગીરી કરી રહ્યું છે ચોમાસા માટેની પ્રિ મોન્સુન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હજી પણ ઘણી જગાએ ઝાડવાની ડાળીઓ વીજતાર સાથે જોડાયેલી જોવા મળે છે. કોઈ પણ કારણસર દિવસમાં બે ત્રણ વખત શહેરી વિસ્તાર તેમજ હાઇવે- ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપ કરવામાં આવતો હોય છે ત્યારે વીજ બિલ
વસૂલવામાં જેટલી કડકાઈ તંત્ર રાખે છે તેટલી જ સારી કામગીરી જો કરવામાં આવે તો વાંકાનેર વાસીઓને ચોક્કસપણે વીજ કાપમાંથી મુક્તિ મળે. તાલુકા
લેવલના ગામની અંદર પણ ખૂબ જ પ્રશ્ન હોય તો એ વીજ ધાંધિયાનો છે એના માટે કોઈ અધિકારીઓ રસ લેતા હોતા નથી, વાંકાનેરવાસીઓને વીજ કાપમાંથી મુક્તિ મળશે કે પછી ચોમાસામાં આનાથી પણ હાલત વધુ બદતર બનશે, એ સવાલ છે.