લાલ કપડાં તરફ ખૂંટિયાને ખાસ આકર્ષણ રહેતું હોય છે
ચીફ ઓફિસર પાસેથી લોકો આ સમસ્યાનો ઉકેલ ઝંખી રહ્યા છે
વાંકાનેર: વાંકાનેરની બજારોમાં- પુલ પર રખડતા ઢોર અન્ડિંગો જમાવીને બેઠા હોય છે. રાહદારીઓ- વાહનચાલકો પસાર થતા તેની પર નજર રાખતા રાખતા ઉભડક મને પસાર થતા હોય છે, બે ખૂંટિયા વચ્ચે ક્યારે લડાઈ જામે, નક્કી નથી હોતું, અને આ લડાઈમાં કઈ બાજુ ભાગે, એ પણ અનિર્ણિત હોય છે.
આજે વાંકાનેરની બજારમાં પસાર થતા એક વૃદ્ધને ખૂંટિયાએ ઢીંક મારી શીંગડામાં ભરાવી ઉપરથી પછાડતા હોવાનો વિડિઓ વાયરલ થયો છે.
વિડીયો મુજબ બજારમાં બે ખૂંટિયા ઉભા છે, એક કાળા કપડાં પહેરેલ વૃદ્ધ તેનાથી બચવા બજારના છેડેથી પસાર થાય છે કે એક ખૂંટિયો તેની પાછળ મારવા દોડે છે. બચવા વૃદ્ધ ભાગે છે, ત્યાં સામે જ એક બીજો ખૂંટિયો ઉભો હોય છે, જેથી વૃદ્ધ એનાથી બચવાની કોશિષ કરતા હોય છે, ત્યાં પાછળનો ખૂંટિયો વૃદ્ધને શીંગડામાં ભરાવી ઊંચે ઉછાળી નીચે પછાડે છે, રુંવાડા ઉભા થઇ જાય એવા આ વિડીઓમાં વૃદ્ધ જમીન પરથી ઉભા થઇ શકતા નથી. બીજા એક મહિલા આ જોઈ એ વૃદ્ધ પાસે દોડી જાય છે, હાથમાં રહેલી થેલી અને સમાન નીચે મૂકી મહિલા એને મદદ કરે કરે છે.
આગળ પછી શું થયું, કેટલું વાગ્યું, તે વિડીઓમાં જોવા મળતું નથી. વૃદ્ધ અને મહિલાની ઓળખાણ પણ મળતી નથી. લાલ કપડાવાળા રાહદારીઓ પાછળ ખૂંટિયા ખાસ દોડતા હોય છે. લાલ કપડાં તરફ ખૂંટિયાને ખાસ આકર્ષણ રહેતું હોય છે, પણ અહીં વૃધ્ધે લાલ કપડાં ન પહેર્યા હોવા છતાં ભોગ બને છે.
મોરબી જિલ્લામાં ખૂંટિયાના રસીકરણની શરૂઆત જયારે મોરબીથી થઇ ત્યારે અમે વાંકાનેરમાં પણ ખૂંટિયાનું રસીકરણ કરવાની જરૂર હોવાનો અહેવાલ પ્રગટ કર્યો હતો. વહીવટી તંત્રના બહેરા કાને અમારી અપીલ સંભાળી નહીં. ઉલ્લેખનીય છે કે દીવાનપરામાં પણ એક મહિલા સાથે આવી જ ઘટના ઘટી હતી. શહેરમાં રોજ આવા અનેક બનાવ બનતા હોય છે. ચીફ ઓફિસર પાસેથી લોકો આ સમસ્યાનો ઉકેલ ઝંખી રહ્યા છે.