સઘળું હિસાબી સાહિત્ય કબ્જે: દુકાનને સીલ મારી દેવાયું
વાંકાનેર: શહેરના ગ્રીન ચોક ખાતે આવેલ ગો ગેસ એજન્સી પર ગઇકાલના રોજ આઇકર વિભાગ દ્વારા દરોડા પાડતાં વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ જેમાં વહેલી સવારથી રાજકોટ આઇકર વિભાગની ટીમ દ્વારા વાંકાનેરની ગો ગેસની બુરહાની ગેસ સર્વિસ ખાતે દરોડો પાડી તપાસ શરૂ કરવામાં આવી હતી,
જેમાં મોડે સુધી ચાલેલી તપાસ બાદ આયકર વિભાગ દ્વારા એજન્સીની વધુ તપાસ અર્થે સીલ મારી દેવામાં આવ્યું હતું. આ બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોથી આયકર વિભાગ દ્વારા ગો ગેસ એજન્સી પર દરોડા પાડવામાં આવી રહ્યાં હોય,
જેમાં રાજકોટ, મોરબી, વાંકાનેર, ઢુવા, કણકોટ ગેસ સ્ટેશન સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ગઇકાલે વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે આવેલ ગો ગેસની બુરહાની ગેસ સર્વિસ ખાતે આયકર વિભાગે દરોડો પાડી તપાસ શરૂ કરી હતી, જેમાં મોડે સુધી ચાલેલી તપાસ બાદ એજન્સીને તપાસ માટે સિલ કરી અને નોટિસ ફટકારવામાં આવી છે.
આ સાથે જ વાંકાનેરમાં આયકર વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે, જેમાં ગેસ એજન્સી દ્વારા ગેર વહીવટી સામે હાલ આયકર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાબતે આયકર વિભાગે સઘળું હિસાબી સાહિત્ય કબ્જે કરી તપાસ પુરી થયા ત્યાં સુધી સ્થળને સિલ મારવામાં આવેલ છે, જેમાં તપાસ પુરી થયે વધુ માહિતી સામે આવી શકે છે.