છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી
હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે !
ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના ભથ્થામાં પચીસ વર્ષથી કોઇ જ વધારો કરવામાં આવ્યો નહી હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે તેમના ભથ્થા પણ વધારવા જોઇએ તેવી લાગણી વ્યકત થઇ રહી છે…
ગુજરાત સરકારે ફીકસ-પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે અને છ કલાકથી વધુ તથા બાર કલાકથી ઓછું રોકાણ કરવાનું હોય ત્યારે તેનુ ભથ્થુ 120 માંથી વધારીને 200 રૂપિયા કર્યુ છે અને બાર કલાકથી વધુ રોકાણ માટેનું ભથ્થુ 240 માંથી 400 રૂપિયા કર્યુ છે તે આવકારદાયક છે પરંતુ ગૃહરક્ષક દળના સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં છેલ્લા પચીસ વર્ષોથી કોઇ સુધારો થયો નથી. રાજ્યમાં હોમગાર્ડના જવાનોના દૈનિક ભથ્થા તા. 1-10-2000 થી વધારવામાં આવ્યા હતા. અને ત્યાર પછીના
25 વર્ષમાં મોંઘવારી ખુબજ વધી હોવા છતાં વધારો થયો નથી. ચોંકાવનારી બાબત એ છે કે હોમગાર્ડમાં કમાન્ડન્ટ જનરલ ગ્રેડ-1નું દૈનિક ભથ્થુ 135 રૂા., જિલ્લા કમાન્ડન્ટ ગ્રેડ-1નું દૈનિક ભથ્થુ 120 રૂા., સીનીયર ડિવીઝન કમાન્ડન્ડ વર્ગ-2નું ભથ્થુ 105 રૂા., ડીવીઝન કમાન્ડર અને કંપની કમાન્ડર વર્ગ -2નું ભથ્થુ 105 રૂા., સીનીયર પ્લાટુન કમાન્ડર વર્ગ -2નું ભથ્થુ 90 રૂા. અને હોમગાર્ડના જવાનો ગ્રેડ-3માં આવે છે તેઓને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે. અઢી દાયકામાં રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે પરંતુ હોમગાર્ડ જવાનોના આ ભથ્થામાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. હાલની મોંઘવારીના પ્રમાણમાં આ રકમ ખૂબજ ઓછી છે તેથી રાજ્ય સરકારે તે અંગે પણ યોગ્ય કરવુ જરૂરી બન્યુ છે…