શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી મેદાન અંગેની માહિતી મંગાવાઈ
રાજ્યમાં અનેક સ્કૂલો મેદાન વગર જ ચાલતી હોવાની અવારનવાર વિગતો સામે આવે છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાઓમાં આવેલી શાળાઓ પાસેથી તાત્કાલીક મેદાન અંગેની વિગતો મંગાવાઇ છે. જેમાં સ્કૂલ પાસે પોતાનું મેદાન છે કે નથી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કે કેમ તેની વિગતો મંગાવવામાં આવી છે. આ રિપોર્ટના આધારે મેદાન વગરની શાળાઓ પર કાર્યવાહી નિશ્ચિત માનવામા આવી રહી છે.

અનેક શાળાઓ એવી છે કે જેમની પાસે મેદાન નથી અને તેમણે મેદાનની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી નથી. જેથી આવી શાળાઓ સામે કાર્યવાહી થઈ શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજ્યમાં શાળા શરૂ કરવા માટેના નિયમોમાં મેદાનની વ્યવસ્થા અંગેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં મેદાનની ઓછી જગ્યાને પણ માન્ય રાખવામાં આવે છે. જોકે, આમ છતાં શહેરની અનેક શાળાઓ પાસે મેદાન નથી, તેવી શાળાઓએ વૈકલ્પિક વ્યવસ્થા તેની વિગતો રજૂ કરવી પડશે. જેથી રાજયના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાબાની તમામ શાળાઓ પાસેથી મેદાનને લગતી વિગતો મગાવવામાં આવી છે.

તમામ શાળાઓને ગુગલ ફોર્મમાં મેદાન અંગેની વિગતો મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. જેમાં સ્કૂલની તમામ વિગતો માંગવામાં આવી છે અને તેની સાથે સ્કૂલ પાસે પોતાનું મેદાન છે, જો પોતાનું મેદાન નથી તો મેદાનની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અથવા મેદાન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી નથી – આ ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે જણાવાયું છે. જેથી આગામી દિવસોમાં શિક્ષણાધિકારી પાસે મેદાન વગરની સ્કૂલની માહિતી આવી જશે. નિયમ અનુસાર શાળાઓ પાસે મેદાન હોવું જરૂરી છે અને મેદાન ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
