તીથવા ગામનો રીક્ષા ચાલક પત્ની અને બાળકો સાથે રીક્ષા લઈને લાકડા કાપવા માટે અરણીટીંબા ગયા હતા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના તળાવ નજીક ખાનગી સ્કૂલ બસે ચાર વર્ષની માસૂમ બાળકીને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રીક્ષા ચલાવી જીવનનિર્વાહ ચલાવતા ફરિયાદી ઈમ્તિયાઝભાઈ દિલાવરભાઈ શાહમદાર ઉ.30 ગઈકાલે તેમના પત્ની અને બાળકો સાથે રીક્ષા લઈને લાકડા કાપવા માટે ગયા હતા ત્યારે અરણીટીંબા ગામના તળાવ નજીક લાકડા કાપી રહ્યા હતા અને તેમની ચાર વર્ષની પુત્રી સાનિયા રોડ પાસે રમતી હતી ત્યારે જીજે – 03 – બીટી – 5777 નંબરની જ્ઞાનગંગા સ્કૂલની બસના ચાલક અર્જુનસિંહ કાનભા જાડેજા રહે.કોટડા નાયાણી, તા.વાંકાનેર વાળાએ હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સાનિયાનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે તીથવા ગામના ઈમ્તિયાઝ ભાઈ શાહમદારે અકસ્માત સર્જી નાસી ગયેલા સ્કૂલ બસ ચાલક અર્જુનસિંહ જાડેજા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી ઈમ્તિયાઝભાઈને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર હોવાનું અને સાનિયા ત્રીજા નંબરની દીકરી હતી.